આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો હરીફ : ૧૭૫
 

અમલદારનો આશ્રય ન હતો, તે અનુભવી પણ ન હતો, બે ડિગ્રી ધરાવતો ન હતો, રમતગમતમાં તેણે નામના કાઢી ન હતી અને કોઈના માનીતા થવાનો તેને અવકાશ પણ મળ્યો ન હતો. વળી તે હરિજન ન હતો, મુસલમાન ન હતો અને સ્ત્રી પણ ન હતો !

બીજી બે જગાઓ સિંધ-પંજાબના નિર્વાસિતો માટે અલગ રાખવામાં આવી હતી ! એ હિજરતનું સદ્ભાગ્ય પણ તે લખાવી લાવ્યો ન હતો. હવે સ્વરાજ્યના વાવટા નીચે બધે જ કાંઈ વિશિષ્ટતાની જરૂર રહે છે. પરદેશની ડિગ્રીઓનો મોહ વધતો જાય છે અને સ્વદેશીનાં ભાષણ કરી સ્વરાજય પોતે લાવ્યા એમ માનતા નેતાઓ પહેલી તકે પોતાનાં સંતાનોને પરદેશી ડિગ્રીઓ ઝૂંટવી લાવવા રવાના કરી દે છે, અને સ્વદેશી સ્વરાજ્યમાં પરદેશી ડિગ્રીઓનાં માનપાન વધ્યે જ જાય છે.

દિવસો વીતતા ચાલ્યા; પરંતુ રસિકની બુદ્ધિ, મહેનત કે આવડતનો કોઈને ઉપયોગ કરવાની જરૂર હોય એમ દેખાયું નહિ. તેમાં યે જ્યારે તેણે સાંભળ્યું કે તેને બાજુએ મૂકી એક યુવતીની પસંદગી કરવામાં આવી છે ત્યારે તો તેણે ગુસ્સો અને નિરાશાનો એક એવો મિશ્ર ધક્કો અનુભવ્યો કે તેના દેહમાં ભયંકર અશક્તિ આવી ગઈ, અને તે ઘેર આવી લાંબો થઈ પથારીમાં પડ્યો.

ચંદ્રિકા પણ જરા ચમકી. ચંદ્રિકા સાથે હસીને બોલ્યા વગર તે પહેલી જ વાર ઘરમાં આમ આવતો હતો. ચંદ્રિકાને ભય લાગ્યો કે કદાચ રસિકનું શરીર બગડી આવ્યું હોય. તેણે પાસે જઈ રસિકના મસ્તક ઉપર હાથ મૂકી પૂછ્યું :

'કેમ? શું થયું ?'

'થયું કાંઈ જ નથી. થાય તો ક્રાન્તિ ! બીજું કાંઈ નહિ.'

ક્રોધે આગળ આવી રસિક પાસે ઉચ્ચારાવ્યું. હવે કર્મ, ધર્મ, ગૃહશાન્તિ કે ઈશ્વરને બદલે દુ:ખનો ઈલાજ ક્રાન્તિમાં શોધવા લાગ્યો છે.

'ક્રાંતિ? હિંદુસ્તાનમાં ?' સહજ હસીને ચંદ્રિકાએ કહ્યું.