આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુવર્ણાક્ષર : ૧૮૯
 

આપ વર્તમાનપત્રમાં તેવી જાહેરાત પ્રગટ કરશો. હું જરૂર એ બન્ને વસ્તુઓ આપને પાછી આપી જઈશ. કોઈ પણ રીતે આપના સુવર્ણાક્ષર હું ભૂંસવા માગતો નથી.'

શહેરનાં ત્રણચાર વર્તમાનપત્રોમાં બીજે દિવસે ચંદ્રકાન્તની સહી નીચે જાહેરાત આવી કે તેને ત્યાંથી ગુમ થયેલું માનપત્ર તેને પાછું જોઈએ છે.

ત્રીજે દિવસે તેના પ્રશંસકોએ ગુમ થયેલા માનપત્ર વિષે ઊંડી અને વિસ્તૃત પૂછપરછ કરી. આખા શહેરમાં એ ચકચારનો વિષય બની ગયો હતો. ચંદ્રકાન્તને પૂછતાં તેણે જવાબ આપ્યો :

'માનપત્ર મને પાછું મળ્યું.'

'ક્યાં છે?' તેના અંગત મિત્રે પૂછ્યું.

'તેની લગડી બનાવી સુવર્ણાક્ષર ભૂંસી નાખ્યા.' ચંદ્રકાન્તે જવાબ આપ્યો.

'એ સુવર્ણલગડી ક્યાં છે?'

‘એટલી મિલકત પૂરતો હું સાચો ધનનો વાલી બન્યો.'

'પછી ચોરને પકડ્યો નહિ?'

'ના, એ ચોર ન હતો. એને એની ખરી જરૂરિયાત હતી. તે જોતાં હું ધનપતિ વધારે મોટો ચોર મને લાગ્યો.' ચંદ્રકાન્તે કહ્યું.

અને તેની પત્ની ચંદ્રિકાને તેની બેનપણીએ સુવર્ણાક્ષરે લખાવેલા માનપત્ર વિષે પૂછતાં ચંદ્રિકાએ તો કહ્યું :

'સુવર્ણ અને સુવર્ણાક્ષર બન્ને અપશુકનિયાળ. સોના ઉપર તો કળજુગ વસે. મારે તે ન જોઈએ. એ ગુમાવી હું મારા પતિને પાછા મેળવી શકી; નહિ તો સુવર્ણાક્ષરોમાં એ ગુમ થઈ ગયા હોત.'