આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સનાતન દર્દી



કેટલાંક દર્દ ચલ હોય છે અને કેટલાંક અચલ હોય છે. એવી જ રીતે કેટલાંક દર્દીઓ પણ ચલ હોય છે અને કેટલાંક દર્દીઓ અચલ હોય છે. અચલ દર્દીઓનાં દર્દ ઈશ્વર પણ મટાડી શકતો નથી. એવા સનાતન દર્દીઓમાં મારો એક બાલમિત્ર હતો, જે નાનપણથી યૌવન સુધી રોગમુક્ત થયો જ નહતો, અને યૌવનનો પ્રાથમિક આનંદ ગુમાવી બેઠો હતો.

એનું નામ હતું રૂપમોહન. સારી સ્થિતિના માબાપનો એ દીકરો. અમે બન્ને સાથે ભણીએ. મારી સ્થિતિ રૂપમોહન કરતાં ઘણી નીચી કક્ષાની હતી. રૂપમોહન પાણી માગે તો તેને દૂધ મળી શકે એમ હતું; મારે પાણી માગવાનો પ્રશ્ન જ ઊભો થતો ન હતો. મારે માગવાનું મારી જ કને; અને હું જ્યારે પાણી માગતો ત્યારે મને પાણી જ મળતું, દૂધ નહિ. પર્વ-ઉત્સવને દિવસે જ દૂધશાકનો સ્વાદ હું લઈ શકતો; પરંતુ એનું મને દુઃખ ન હતું.

રૂપમોહન નાનપણમાં બહુ દેખાવડો હતો, અને તેનાં હોંસીલાં માતાપિતા તેને સારાં કપડાં-ઘરેણાં પહેરાવી તેના દેખાવમાં ઉમેરો