આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સનાતન દર્દી : ૧૯૭
 

રૂપમોહનના દેહને અને મનને વધારે સ્વસ્થતા આપશે; પરંતુ એના પત્રો જોતાં મને લાગ્યું નહિ કે તેનો દેહ અને તેનું મન સ્વસ્થતાને માર્ગે જતાં હોય. તેના કાગળમાં આનંદની તો લકીર હતી જ નહિ ઊલટું લગ્નજીવનની ગંભીરતા તથા તેની જવાબદારીઓ વિશેનાં તેનાં રોદણાં આવતાં હતાં. અને પરદેશમાં પુરુષો કઈ દવાઓ ખાઈને લગ્ન માટેની લાયકાત મેળવે છે અને એ લાયકાત સાચવી રાખે છે તે વિષેની પૂછપરછ તેના પત્રોનો મોટો ભાગ રોકતી હતી.

હું ઠીક ઠીક ભણ્યો –પરદેશમાં પણ; અને મને ઉત્તર હિંદના એક અજાણ્યા સ્થળે સારી નોકરી પણ મળી. હું દેશ પાછો આવ્યો અને મેં ધાર્યું હતું કે રૂપમેહન બંદરે ઊતરતી વખતે મને જરૂર મળશે; પણ ઊતરતાં બરોબર રૂપમોહનને બદલે રૂપમોહનનો તાર મળ્યો, જેમાં તેણે મને શુભેચ્છા પાઠવી હતી અને શરીરની અસ્વસ્થતાને અંગે રૂબરૂ ન આવી શકવાની દિલગીરી પ્રદર્શિત કરી હતી, મારે તો સીધા જ નોકરી પર ચાલ્યા જવાનું હતું, એટલે મારાથી પણ તેને મળાયું નહિ; પરંતુ મારો જીવ તેનામાં જ રહ્યા કરતો હતો. મૈત્રીના પાયામાં નિઃસ્વાર્થ લાગણી રહેલી છે.

નોકરીમાં એકબે વર્ષ વીતી ગયાં એટલે મને હકની રજા મળવાનું શરૂ થયું. જેવી પહેલી રજા મને મળી તેવો જ મારા બાળપણના ગામે આવી રૂપમોહનને મળ્યો. એને મળતાં બરોબર હું ચમકી ગયો, રૂપમોહન માનવી ન હતો, એ માત્ર મડું હતો ! હું એને મળવા ગયા ત્યારે તે એના મકાનના એક સુંદર ખંડમાં બારીબારણું બંધ કરી, ગરમ કપડાં પહેરી ઉપરથી માથે અને કાને ગરમ શાલ ઓઢી એક કોચ ઉપર બેઠો હતો. એની પાસે વીસેક દવાની શીશીઓ પડી હતી, થોડાં પડીકાં ગોઠવીને મૂક્યાં હતાં અને દવાની જાહેરાતનાં ફરફરિયાં તથા દેશપરદેશનાં વૈદ્યકીય સામયિકો પડેલાં