આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાજી પટેલ : ૨૧૩
 

ગળાની ઝૂલને રમાડતી ચંચીએ કહ્યું :

'નહિ નહિ, ગોરી ! ખોટું લાગ્યું ? બો ! મારી બહેન નહિ ? વાછરડી ધરાય એટલું દૂધ એને પીવા દઈશું, હો ચાલ, સામે જો ...અને હસી પડ !' કહી ચંચળ હસી અને ગાય સામે જોઈ રહી.

ગાય હસી કે નહિ એની દુનિયાને ખબર ન પડી; પરંતુ ચંચળે તો માન્યું છે કે ગોરી એની સામે જોઈ હસી રહી છે. વધારામાં ગાયે જીભ વડે ચંચળનો હાથ ચાટ્યો અને ચંચળનો આખો દેહ પુલકિત બન્યો. આનંદમાં આવેલી ચંચળ ઓસરીમાં દોડી ગઈ અને ચૂલા પાસે બેઠેલી પોતાની માતાને આંખ લૂછતી નિહાળી જરા ચમકી ગઈ. માતાપિતાને ચંચળે કદી કદી દુઃખી જોયેલાં; પરંતુ આંસુ લૂછતાં કદી નિહાળ્યાં ન હતાં.

'મા, ધૂણી બહુ આવી? ખસી જા. હું રોટલા ઘડી નાખું.' નાની ચંચળે કહ્યું.

માતાની આંખમાં લાકડાં છાણાંની ધૂણી ન હતી; જીવનનું કોઈ હળાહળ તેની આંખને પીડી રહ્યું હતું. પટલાણીના કંઠમાં રુદન હતું. ગાયની સાથે રમી આવલી ચંચળ પ્રથમ તો કાંઈ બોલી શકી નહિ. અંતે તેણે પૂછ્યું :

'મા ! શું થયું?'

'કાંઈ નહિ, બેટા ! ' માબાપ પોતાનાં દુઃખ ભાગ્યે જ પોતાનાં બાળકો આગળ મૂકે છે.

'ત્યારે તું રડે છે કેમ ?'

'મારા નસીબને રડું છું, દીકરી !'

'ભાઈઓ કમાય છે...બાપુની દવા કરીશું એટલે એ હતા તેવા પાછા થઈ જશે.' નાની વયને કશું અશક્ય લાગતું નથી. ચંચળના ભાઈઓ શું મોકલતા હતા તે મા જાણતી હતી અને શુન્ય મનવાળા બાજી પટેલ હવે કાંઈ જ કરી શકતા ન હતા. આંખની પાંપણ હલાવ્યા વગર આકાશ સામે કાં તો તેઓ બેઠા