આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચોરી – શાની ? : ૨૨૧
 

નીચે મદનને ન્યાયાધીશની પરવાનગી લઈ રાખવામાં આવ્યો અને નવાઈની વાત તો એ હતી કે મદન શાંતિપૂર્વક તેને માથે જે આરોપ મૂકવામાં આવે તે આરોપનો સ્વીકાર કર્યે જતો હતો. તપાસ કરનાર અમલદારોને પણ નવાઈ લાગે એવી સરળતાથી તેણે ભલભલા ગુના કર્યા છે એમ કબૂલ કરતાં મદને જરા યે સંકોચ સેવ્યો નહિ. ગુના કબૂલ કરાવવાની પોલીસખાતાની શક્તિનો કદાચ તેને પરિચય થયો પણ હોય. એટલે પોલીસ જે માથે નાખે તેની હા પાડવામાં જ તેને તેની પોતાની સલામતી લાગી.

કેદખાનામાં મદનનું વતન આદર્શ હતું. તેની કંઈ માગણી ન હતી; તેને કશો વિરોધ ન હતો. તેની ભાષા સંસ્કારી હતી અને તેની આંખમાં ગુનેગારોને શોભે એવું તેજ કદી પણ ઝબકી જતું નહિ. પોલીસે અંગૂઠાઓની છાપ મેળવી, જૂના ગુનેગારોના ઈતિહાસ તપાસ્યા, શકદારોની યાદીઓ વારંવાર જોઈ નાખી, પરંતુ આટલા આટલા ગુના કબૂલ કરતો મદન અંગૂઠાની છાપમાંથી સજામાંથી તેમ જ શકદારોની યાદીમાંથી સદંતર મુક્ત હતો એ પરિસ્થિતિ પોલીસના અનુભવી અમલદારોને પણ આશ્ચર્ય પમાડતી હતી. અર્ધ પકડાયેલા ગુનાઓ કરનાર ગુનેગારો પણ મદનને ઓળખતા હોય એમ લાગ્યું નહિ. અને મદનની કબૂલાત છતાં મદનને માથે કેટલાક ગુના નાખવામાં આખા ગુનાની સાબિતી ઊડી જાય એવો પણ ભય પોલીસ અમલદારોને લાગવા માંડ્યો.

એથી પણ વધારે નવાઈ જેવી હરકત એ હતી કે મદન સારું ભણેલો માણસ નીકળ્યો. સારું ભણેલો માણસ ગુના ન કરે એવો કોઈ નિયમ નથી; છતાં કોઈ વખત સરકારી નોકરી, કોઈ વખત ખાનગી નોકરી, કોઈ વખત વર્તમાનપત્રના લેખક તરીકેની નોકરી અને કોઈ વાર શિક્ષકની નોકરી, એમ વિવિધ નોકરીઓ કરતા મદનથી આવા આવા ગુના કેમ થઈ શક્યા હશે એવો નવાઈ જેવો પ્રશ્ન તપાસ કરનાર અમલદારની માનસસૃષ્ટિમાં સતત ફરતો રહેતો.