આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪ : દીવડી
 

કાન્તા ઉપર પડતી ખરી. અને એક કરતાં વધારે વાર નજર પડતાં મનને પણ ખેંચાવું પડે છે એ જગજૂની હકીકત છે. રૂપાળી પત્ની હોવા છતાં અન્ય રૂપવતી સ્ત્રી તરફ પતિ કેમ નજર કરે છે એ પ્રશ્નનો હજી ઉત્તર મળ્યો નથી - જોકે એ સત્ય પત્નીની આંખથી તેમ જ જનતાની આંખથી ઢંકાયેલું રાખવા પુરુષોના થતા પ્રયત્નો ભગીરથના તપને શોભે એવા હોય છે. પ્રફુલ્લે પોતાની કાન્તા પ્રત્યેની કૂણી ભાવના પોતાની પત્નીથી સફળતાપૂર્વક છુપાવી હતી એટલે તેની પત્નીએ જ જ્યારે કાન્તાને સહાય આપવાની ફરજ વિશે પ્રફુલ્લને સમજાવવા માંડ્યો ત્યારે તેને લાગ્યું કે કાન્તા પ્રત્યેનું આકર્ષણ એક ઈશ્વરદત્ત આકર્ષણ જ બની રહ્યું છે ! પ્રફુલ્લે સંપૂર્ણ સહાય આપવા માંડી.

એ આકર્ષણમાંથી એક અવનવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. પ્રફુલ્લની પત્ની પરગામ ગઈ હતી ત્યારે કાન્તાએ પ્રફલને પોતાને ઘેર આવી ચા પીવાનું આમંત્રણ આપ્યું. એ તેણે સ્વીકાર્યું અને કોઈ ન જાણે એમ બપોરના ત્રણેક વાગ્યે પાસે જ આવેલી કાન્તાની ઓરડીએ તે પહોંચી ગયો. આપણને નવાઈ જેવા લાગે એવા કૈંક પ્રસંગો શક્ય હોય છે. કાન્તા એકલી હશે એમ જ પ્રફુલ્લે ધાર્યું હતું. આકર્ષક આમંત્રણો એકાન્તનાં જ હોય; પરંતુ ઓરડીમાં પ્રવેશ કરતાં જ પ્રફુલ્લે જોયું કે કાન્તાનો પુત્ર એ ઓરડીમાં પુસ્તક વાંચતો બેઠો હતો. તેના મુખ ઉપરનો ઉત્સાહ ઓછો થઈ ગયો. તેની આંખમાંથી અડધી ચમક ઊડી ગઈ અને તે કાન્તાએ સૂચિત કરેલા હીંચકા ઉપર બેસી ગયો. રાગદ્વેષરહિત બની ગયેલા કાન્તાના મુખ પાસે આતુરતાભરી, દયાભરી દ્રષ્ટિ પ્રફુલ્લે નાખી અને કાન્તાએ પોતાના પુત્રને આજ્ઞા આપી :

'ભાઈ ! જો, જરા ઝડપ કર. થોડું દૂધ બજારમાંથી લઈ આવ... અને... હા..ખાંડ અને ચા બન્ને લાવવાનાં છે તે પણ તું લેતો આવ. બહુ વાર ન કરીશ...રમતમાં ન પડીશ...'