આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦ : દીવડી
 

પંપાળવાને બદલે હળવું બનાવી શકાતું હોય તો પરણવામાં હરકત શી છે? તારી તે ઉંમર કેટલી?'

લગ્ન માટે કોઈ પણ વય મોટું ગણાવું ન જોઈએ – ખાસ કરીને પુરુષનું વય ! ઉષાનું મને આકર્ષણ હતું એ હું કબૂલ કરું છું; પરંતુ આમ લગ્નનો મને કદી સ્પષ્ટ વિચાર આવેલો નહિ. પરોપકારી મિત્રો અને શુભેચ્છક સ્વજનો વગર અસ્પષ્ટ રહેતાં માનસસંચલનોને બીજું કોણ વધારે સ્પષ્ટ કરી આપે ?

'તું મારો અને કુસુમનો પ્રેમ...’ હું મારા પ્રામાણિક પ્રેમની છાપ મિત્રના હૃદય ઉપર પાડવા ગયો પરંતુ એણે તો મને વચમાંથી જ અટકાવીને કહ્યું :

‘તારો અને કુસુમનો પરસ્પર પ્રેમ હું નહિ સમજી શકું તો બીજું કોણ સમજી શકશે? પણ યાદ રાખ, કુસુમ પોતે જ આ સંજોગોમાં અકસ્માત હાજર થાય તો તને ઉષા સાથે પરણાવ્યા વગર ન જ રહે.'

મને શું એની વાત ગમતી હતી માટે હું એ લંબાવતો હતો ? અંતે મેં કહ્યું :

'હું વિચાર કરી જોઈશ.'

લગ્ન માટે હું હજી નિર્લેપ છું એમ ઠસાવવા હું મથતો હતો. મારા કરતાં મારો મિત્ર વધારે મજબૂત મનનો લાગ્યો. એણે તો કહ્યું જ :

‘હવે વિચાર કરવા રહીશ નહિ. કાલે જ ઉષાને લઈ ફરવા જા..અને ચોખ્ખી વાત કરી લે. ઉષા તારી સાથે લગ્ન કરવાની કદી ના ન પાડે એની હું ખાતરી આપું છું.'

‘એ જ રાત્રે મને આહૂલાદક સ્વપ્ન આવ્યું; આમ તો કુસુમ વારંવાર મારા સ્વપ્નમાં આવ્યા કરતી હતી. જોકે હમણાં હમણાં એણે મારી સ્વપ્નસૃષ્ટિમાં આવવું ઓછું કરી નાખ્યું હતું. પરંતુ આજની રાત્રે તો મેં સ્પષ્ટ રીતે એ જ કુસુમને મારી પાસે