આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦ : દીવડી
 

ગુરુપદને પામ્યો હોય એમાં નવાઈ જ શી ? અરે મુંબઈનો વકીલ, ડૉકટર, પત્રકાર, ભિખારી અને કમ્યુનિસ્ટ પણ પોતાને અન્યની સરખામણીમાં શ્રેષ્ઠ સ્થાને મૂકે છે, અને મુંબઈ બહારની દુનિયા એ શ્રેષ્ઠતા નમ્રતાપૂર્વક બે હાથ જોડીને કબૂલ પણ રાખે છે.

એ મહાન મુંબઈમાં કિશોર આવ્યો. સરકારી નોકરીમાં નોકરને જ્યાં મોકલે ત્યાં જવું પડે. પછાત દેશી રાજ્યોની પ્રજાને મુંબઈગરા વહીવટની શ્રેષ્ઠતાનો સ્વાદ ચખાડતી મુંબઈની શ્રેષ્ઠ સરકાર, અંધકારભર્યા દેશી રાજ્યોના અમલદાર કે નોકરીના પછાતપણાને ખંખેરી નાખવા તેમની મુંબઈ બદલી કરે એમાં વાંધો કાઢી શકાય એમ છે જ નહિ. મુંબઈની મુશ્કેલીનો વિચાર કરી એ દક્ષ સરકાર ઘરભાડું નોકરને આપી પોતાના અંતઃકરણને સ્વચ્છ રાખે છે. નોકરને એટલા ભાડામાં ઘર મળે છે કે નહિ એ જુદો પ્રશ્ન છે.

કિશોરને પણ મુંબઈમાં થયેલી નિમણુક ગમી. દરિયો, ચોપાટી, જૂહુ, સિનેમા, હોટેલ અને હેન્ગીન્ગ ગાર્ડન્સ જેવાં આકર્ષણ મુંબઈનું નામ દેતાં બરોબર આંખ આગળ ખડાં થાય છે – બીજાં આકર્ષણ બાદ કરીએ તો ય. કિશોરે મુંબઈ તળમાં તેમ જ પરામાં રહેતા બેત્રણ મિત્રોને અને બેત્રણ સગાંસંબંધીઓને પત્ર લખ્યા અને પોતાના આગમનની ગાડી તથા સમય પણ જણાવ્યાં.

મુંબઈમાં મહેમાનના સમાચાર અને મોતના સમાચાર સરખા ગણાય છે એની પૂરી ખબર કિશોરને ન હતી. ઘેરથી નીકળતી વખતે એને ત્રણચાર તાર મળ્યા — જેનો ઉદ્દેશ એક જ હતો કે કિશોરનો સમાવેશ એ મિત્ર કે સગાંના મકાનમાં થઈ શકે એમ ન હતું. કાં તો મિત્રની સ્ત્રી માંદી પડી ગઈ હોય, સંબંધીનાં મા-બાપ અને ભાઈભત્રીજા એકાએક આવી પહોંચ્યાં હોય, મુંબઈ જરૂરી કારણસર તેને છોડવું પડ્યું હોય કે કાં તો સુધરાઈએ તેનું ઘર ખોદી નાખવા માંડ્યું હોય ! છતાં નોકરી સાથે રમત તો ન જ થાય, હિંમત ધારણ કરી તે એક નાનકડી બૅગ લઈ નીકળ્યો. હજી