આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨ : દીવડી
 

અને જોતજોતામાં કિશોરને ખબર પણ પડી ગઈ કે એ સારી સગવડ એક ઠીક ઠીક મોંઘા વિશ્રાંતિગૃહમાં કરેલી હતી ! મહામુસીબતે રહેવા માટે મળેલી દોઢ મારડીમાં એકાએક પાંચછ મહેમાન આવી ચઢ્યા હતા એટલે સાતમાં મહેમાન કિશોરનું શરીર તો શું પણ તેનો શ્વાસ સુધ્ધાં મિત્રની ઓરડીમાં પ્રવેશી શકે એવી સ્થિતિ ન હોવાથી કિશોરનું સુખ વિચારી કિશોરને અને મુંબઈને શોભે એવા વિશ્રાંતિગૃહમાં, મહામુશ્કેલીએ, જગા ન હોવા છતાં પોતાની લાગવગ વાપરી કિશોરને રહેવા માટે મિત્રે સ્થાન મેળવ્યું હતું.

મહિને જમવા રહેવાનો ખર્ચ માત્ર દોઢસો રૂપિયા જ હતો !

અને કિશોરનો પગાર પણ માસિક દોઢસો રૂપિયાનો હતો. ઘરભાડું અને મુંબઈનિવાસનું ભથ્થું વધારાનું !

એટલે કિશોરમાં આવડત હોય તો એ રકમ બચાવી શકાય. પરંતુ મુંબઈના ઉચ્ચ જીવનધોરણમાં એથી ચારગણી રકમ મળતી હોય તો ય તે બચાવી શકાય એમ ન હતું. છતાં ઉદાર મિત્રે તેને માટે કરેલી સગવડનો તાત્કાલિક લાભ લીધા વગર તેને ચાલે એમ ન હતું. વિશ્રાંતિગૃહમાં રહેતાં રહેતાં તેણે મુંબઈનાં લંબાણો ટ્રામ, બસ અને અંતે પગથી માપવા માંડ્યાં. દૂર દૂર આવેલી કચેરીમાં કામ કરવા માંડ્યું. જે કામ મુંબઈની અતિ દક્ષ કચેરીઓના મહાનિષ્ણાત પ્રધાનોની ચાંપતી દેખરેખ નીચે છ કલાકને બદલે કદી કદી દસ કલાક જેટલું પણ લંબાઈ શકતું હતું – અને તેમાંથી મળતા સમયમાં તેણે ઘર શોધવાનો ભગીરથ પ્રયાસ શરૂ કર્યો.

મુંબઈમાં ઈશ્વર શોધવો અને ઘર શોધવું એ બન્ને સરખાં મુશ્કેલ લાગે છે. કદાચ મુંબઈમાં માનવીને ઈશ્વર મળે – જેના ઉપર ગીરો-વેચાણની રમત પણ થાય અને સટ્ટો પણ રમાય - પરંતુ ઘર મળે તો જાણવું કે તેને ઈશ્વર કરતાં પણ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ.