આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાઘડી વગરનું ઘર:૩૧
 

'હરકત નહિ. નાનું ગોદડુ વસાવો ત્યાં સુધી હું તમને પાથરણું આપીશ. મુંબઈમાં ગભરાવું નહિ, મારા શેઠ ! અને... પાઘડી વગર માળામાં પેસાશે નહિ. મહેરબાન ! સાચી વાત કહી દઉં !' છેલ્લાં વાક્યો બહુ જ ધીમેથી પણ અત્યંત મક્કમપણે મહેતાએ કહ્યાં.

'એ તો હું લઈને જ આવું છું. આજ રાત્રે અહીં જ સૂવાનું ! મહેતાજી !' કહી ઉત્સાહભર્યો કિશોર પોતાના વિશ્રાંતિગૃહમાં ગયો. પૂરો મહિનો હજી થયો ન હતો. છતાં મિત્રે કરેલી સગવડ અનુસાર મહિનાનું પૂરું ભાડું અને ખોરાકખર્ચ કિશેરે આપી દીધા, અને વિશ્રાંતિગૃહના માલિકને તેણે કહી દીધું કે આજની રાતથી તે બીજે સ્થળે રહેવા જવાનો છે...માલિકને એમાં જરા ય હરકત ન હતી. કિશોરના દેખતાં તેની ઓરડીનો ખાટલો તેણે બીજા અરજદારને આપી દીધો.

બૅગ હાથમાં લઈ તેણે નવી ઓરડી તરફ જવા માંડ્યું. રાત્રિનો સમય હતો. એકાદ ટ્રામ, એકાદ બસ, એકાદ લોકલ પકડતાં પકડતાં તે પોતાને માટે ચૂંટી કાઢેલી એારડીઓવાળા માળામાં આવી પહોંચ્યો. રસ્તામાં એક સાદડીઓ વેચતા મોપલા પાસેથી એક ચટાઈ પણ તેણે ખરીદી ઘર માંડવાની શુભ શરૂઆત કરી દીધી. હતી. હાથમાં બૅગ, બગલમાં ચટાઈ અને વિલાયતના પ્રધાનને શોભે એવો પોશાક એ ત્રણેનું મિલનદશ્ય મુંબઈમાં અશક્ય નથી

'શું મારા મહેરબાન ! હવે આવો છો તે?' મુનીમની ઓરડીમાં જતા બરોબર કિશોરને મુનીમે ધમકાવ્યો.

'કેમ એમ? કહ્યા પ્રમાણે રાત્રે આવ્યો છું.' જરા ચમકી કિશારે કહ્યું.

'રાત હમણાં પડી લાગે છે તમને? મુંબઈમાં એમ ન ચાલે, શેઠિયા ! એ તો એક પલાંઠીએ સોદો કરીને ઊઠીએ તો જ સોદો સાચો. તમારી કેટલી રાહ જોઈ ! પછી હું ક્યાં સુધી ખોટી થાઉં?'