આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮ : દીવડી
 


'દીકરા? આમ તો તું મારા ઘરનું રતન છો; પણ આ બધો ભ્રષ્ટાચાર... અંગ્રેજોએ તો બધું ઊંધું વાળ્યું જ હતું, પરંતુ આ તમારા ગાંધી મહાત્માએ તો ધર્મનું સત્યાનાશ વાળ્યું છે !'

'મોટી મા ! રોહીદાસ ચમાર હતા, દામાજી મહાર હતા..'

'તું વાત ન કરીશ. ગધેડાને તાવ આવે એવી. એ બધાય મહાત્માઓને આપણે પગે લાગીએ. એમણે ભગવાનને ભજવાનું કહ્યું છે, કાંઈ ઢેડ ભેગા બેસીને જમવાનું કહ્યું નથી.'

આવી વાતચીતો, આવી દલીલો અને આવા વાદવિવાદ કદી કદી દાદી અને પૌત્ર વચ્ચે ચાલ્યા કરતા; પરંતુ એકંદરે આવા પ્રશ્નો ન જાગે એવી કાળજી વૃદ્ધ તથા યુવાન બંને પક્ષ તરફથી રહેતી.

બંનેના મનમાં એક જ ચણગણાટ રહી જતો :

‘દાદી આટલાં સમજણાં છે તો પછી આ સ્પર્શાસ્પર્શ અને ભક્ષ્યાભક્ષ્યમાં ઉદાર કેમ થઈ શકતાં નહિ હોય ?'

અને દાદીને એમ વિચાર વારંવાર આવ્યા કરતો હતો કે 'દીકરો આવો સુશીલ, ભણેલો અને સંસ્કૃતના શ્લોકો કડકડાટ બોલે એ, છતાં એને સપર્શાસ્પર્શ અને ભક્ષ્યાભક્ષ્યની જરા યે છોછ કેમ રહેતી નથી ?'

અનાજની માપબંધીએ આ મતભેદ વધારવામાં એક પ્રસંગે ભયંકર ભાગ ભજવ્યો. અનાજને પડીકે બંધાવનાર મહાસભાની ગાંધીવાદી સરકાર માત્ર હરિકુંવરની જ નહિ, પરંતુ તે સિવાયના કંઈકની ગાળો ખાય એ સ્વાભાવિક છે. હરિકુંવર અન્નદાનને મહાદાન ગણતાં, અને આતિથ્ય ભાવનામાં પૂરાં ઝબકોળાયેલાં રહેતાં.

'ભાઈ ! દુકાળના પણ દિવસો જોયા અને જૂના દુકાળની વાત પણ સાંભળી. પણ મૂઠી અનાજ દાન ન આપશો એવું તો કોઈ જુલમગારે પણ કહ્યું નથી.'

'મોટી મા ! જુઓ ને આજનો સમય બહુ પલટાયો છે. પરદેશથી અનાજ આવતું નથી, અને આપણા લોકો પૂરું પકવતા