આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માંદગી કે પાપ? : ૫૩
 

સ્થાન માનભર્યું હતું. સ્વાભાવિક રીતે રસિકનું મન મનાવવા તરફ માબાપની વૃત્તિ વધારે રહેતી. ખાવાપીવામાં, પહેરવા-ઓઢવામાં બીજાં બાળકો કરતાં તેને અગ્રત્વ મળતું હતું. ઊંચા મધ્યમ વર્ગને અને તવંગર વર્ગને ઘરનાં બાળકોમાં આવો તફાવત કેમ રાખવામાં આવે છે તે ન સમજાય એ સ્વાભાવિક છે. એ સમજવા માટે ગરીબી જ બહુ સાચી દ્રષ્ટિ આપી શકે એમ છે.

કુટુંબમાં ત્રણચાર બાળકો હોય; કુટુંબના કમાનારને બહુ ઓછો પગાર અને ઓછી સત્તાવાળી નોકરી કરવાની હોય; બહેનભાણેજનાં પોષણ કરવાનાં હોય; મે'માનો સાચવવાના હોય; સમાજમાં પ્રતિષ્ઠા રહે એ પ્રમાણે કરા-વરા કરવાના હોય; એવાં કુટુંબમાં પોતાનાં જ બાળકો પ્રત્યે ભેદભાવ ભરેલું વર્તન અનિવાર્ય બને છે. એ પરિસ્થિતિને વખોડનાર સહુ કોઈએ ગરીબી અનુભવ્યા વગર ટીકા ન કરવી જોઈએ.

એટલે રસિકભાઈ માટે દૂધ લેવાય, રસિકભાઈ માટે સારાં કપડાં લેવાય, અને સરસમાં સરસ થાળીપાટલો અપાય, એનું દરેક રીતે મન મનાવાય, અને ઘરનાં બાળકોના માનને ભોગે રસિકભાઈનું માન સચવાય એવી ઘરમાં રીત પડી હતી. રસિકના પિતા અનેક યુવકના પિતાની માફક ગરીબ હતા, કારકુની કરતા હતા. તંગીમાં કુટુંબગુજારો કરતા. હતા. રસિકભાઈ ઝડપથી ભણી રહે એવી આશામાં રસિકભાઈ ઉપર આવકનો સારો ભાગ ખર્ચતા હતા. માતાનો પણ રસિક માનીતો પુત્ર. એનાં ભાંડુઓમાં પણ એ ભાવ સ્પષ્ટપણે ઠસાવવામાં આવ્યો હતો. રસિકભાઈની બરોબરી કોઈથી થાય નહિ! નાનાં બાળકોએ એ કબૂલ કરી લીધું.

રસિક જેમ જેમ આગળ ભણતો ગયો, ઘરમાં તેમ જ શાળામાં વધારે અને વધારે માનીતો ગણાતો ચાલ્યો, તેમ તેમ એના મનમાં એનું પોતાનું મહત્ત્વ પણ ઠીક ઠીક વધતું ચાલ્યું. પહેલા નંબરથી – ક્રમથી નીચે તેનાથી આવી શકાય જ નહિ એવો તેના મનમાં આગ્રહ