આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪ : દીવડી
 


'જી, હા ! આપ માનો, ન માનો, જુદી વાત છે, પરંતુ એ આખી સવારી પાછળ લયલા-મજનૂનો કિસ્સો છે... કોઈ કોઈ ટુકડા દેખાઈ જાય કદી કદી !'

'લયલા-મજનૂનો કિસ્સો ? આ તો વૃદ્ધ પુરુષ હતો !' મેં નવાઈ પામી પૂછ્યું.

'સાહેબ ! જુવાન લયલાને અનેક મજનુઓ મળે; જુવાન મજનુને અનેક લયલાઓ મળી જાય, પરંતુ આ બુઝર્ગ લયલા-મજનુને મેં જોયા ત્યારથી મને લાગ્યું કે એ જૂની ઈશ્કકહાણી સાચી જ હતી.'

અને નમાજ પઢી ફકીરે થોડી વાર પછી મને એક વૃદ્ધ પ્રેમી યુગલની વાત કહી સંભળાવી. મેં જેનું પ્રેત જોયું એ વૃદ્ધનું નામ પંચમગીર. દશનામી સાધુઓમાં ગીર-ગીરીના અત્યાંક્ષરે ઓળખાતો એ એક સાધુઓનો વર્ગ. એ સાધુઓએ લગ્ન સ્વીકારીને પણ પોતાની સાધુ છાપ ચાલુ રાખી હતી. ઊજળી એ તેની પત્ની. એમના યૌવનની વાત તે સહુના યૌવનની માફક રસભરી હોય જ; પરંતુ એમાં વિશેષપણું કાંઈ ન કહેવાય. માબાપની મરજી વિરુદ્ધનાં લગ્ન હોય, કોઈ છોકરીને ઉઠાવી જઈ લગ્ન કર્યા હોય, છૂટાછેડા સુધી ધસી જઈ પાછી મિલાવટ કરી દીધી હોય તો પ્રેમની કથા રોમાંચક બની શકે. એવું કાંઈ પંચમગીરે કર્યું ન હતું. શિવાલયમાં રહી બંને સાધુ-સાધ્વી શિવપૂજન કરતાં, પાસેની થોડી જમીનમાં ખેતી કરતાં ગામમાંથી ખૂટે તે માગી લાવતાં, ભજનકીર્તનમાં સમય ગાળતાં અને ગામને પગે લાગવાનું એક સાધન બની રહેતાં.

તેમને બે પુત્ર પણ થયા; પરંતુ તેઓ મોટા થયા અને સાધુ બની ચાલી નીકળ્યા. એક પુત્રનો પત્તો જ ન લાગ્યો; બીજો પુત્ર દૂરદૂરના કોઈ મઠમાં રહેતો, અને બેચાર વર્ષે આવી માતાપિતાની ખબર લઈ જતો. સમય જતાં વર્ષનો ગાળો વધવા લાગ્યો, અને પંચમગીર તથા ઊજળી બન્ને વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરી ચૂક્યાં. પુત્રને મહાદેવની પૂજા સંભાળી લેવા અને પાસે આવી રહેવા માતા