આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
(૪)

સ્વભાવની ક્રાંતિ કરવાના મુદ્દાને ખૂબ કોમળતાથી રજૂ કરવાની તેમણે કાળજી રાખી છે. આપણો આજનો પ્રાથમિક શાળાનો શિક્ષક અજ્ઞાન છે, ભાડૂતી છે, પૈસાનો લોભી છે, જાતમાં અવિશ્વાસ રાખનારો છે. શિક્ષકની આ નબળી બાજુ ગિજુભાઈ પોતે હમદર્દીથી પિછાને છે, અને શિક્ષકના માનસિક રોગમાં પોતે પણ દર્દ અનુભવે છે. એ દૃષ્ટિએ તેમણે એ આખા મુદ્દાને આ પુસ્તકમાં રજૂ કર્યો છે એ મુદ્દો વાંચ્યા પછી શિક્ષક પોતાની નિર્બળતાઓથી મૂંઝાવાનો છે, શરમાવાને છે, પોતાનામાં તેવું બળ જમાવવાની મહત્ત્વાકાંક્ષાઓ ઊભી કરવાનો છે, કે જે બળ વડે ગિજુભાઈના દિવાસ્વપ્નનો સાક્ષાત્કાર કરતો શિક્ષક પોતે બની શકે.

આખું પુસ્તક ગઈ કાલની પ્રાથમિક કેળવણીની નાનકડી સમાલેાચના જેવું, તેમ જ આવતી કાલની નવીન પ્રાથમિક શાળાના મનોહર અને સ્પષ્ટ દર્શન જેવું છે. વાર્તાની શૈલીમાં લખવામાં આવ્યું છે એ એની વિશિષ્ટતા છે. ગિજુભાઈ મારા બહુ જ નજીકના મિત્ર છે; તેમનાં લખાણો ઉપર હું હંમેશાં શકરા જેવી દૃષ્ટિ રાખવાવાળો છું, અને તેમનાં લખાણોથી સોએ સો ટકા મુગ્ધ થાઉં તેવું ભાગ્યે જ બન્યું છે. આમ છતાં ગિજુભાઈના આ પુસ્તકે મને ખરેખર મુગ્ધ બનાવ્યો છે. કેળવણીના તાત્ત્વિક લેખો અથવા તો શિક્ષણશાસ્ત્રીનાં શાસ્ત્રીય પુસ્તકોને બદલે ગિજુભાઈ આવાં જ લખાણો આવી જ શૈલીમાં આપણને હવે પછી આપતા રહે તેવું સ્નેહનું દબાણ હું હંમેશાં તેમના ઉપર કરવાનો.

હરભાઈ ત્રિવેદી
Φ