આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૯૯]


મેં પૂછ્યું: “કોને મળે છે ?”

નકશામાંથી વાંચી છોકરાએાએ જવાબ આપ્યો “ખંભાતના અખાતને.”

મેં પૂછ્યું: “આમ અરબી સમુદ્રને શા માટે નથી મળતી ?”

છોકરો કહે: “તે એની મરજી. ખંભાતના અખાતને મળવું હશે.”

મેં પૂછ્યું: “આ નદી આમ નીચાણમાં શું કામ ગઈ ?”

છોકરો કહેઃ “સાહેબ, એમ જ જાય ને ! જુઓ ને, દક્ષિણ આમ નીચું જ છે ને !”

હું તાજુબ થઈ ગયો. ગયે વરસે ભણેલી ભૂગેળ તેઓ ભૂલ્યા નહોતા. ગોખણપટ્ટી સફળ હતી. આ વર્ષે પણ એ જ રીતે હું શીખવી શકું; પણ એ કાંઈ ભૂગોળનું શિક્ષણ થાય ! મેં છોકરાઓને કહ્યુંઃ “નકશાઓ બંધ કરી દો. એક મહિના પછી આપણે ભૂગોળ લઈશું, હમણાં આપણે થોડા દિવસ ચિત્રો કાઢીએ.”

છોકરાઓ મારી સામે જોઈ રહ્યા. ચિત્રનો વિષય શાળામાં નવો; અભ્યાસક્રમમાં જગા નહિ. શાળામાં એવી સર્જનાત્મક એકે પ્રવૃત્તિને જગા નહિ પણ મારે એવી એકાદ પ્રવૃત્તિને તો દાખલ કરવી જ હતી.

બીજે દિવસે છોકરાએાને મેં કહ્યું: “ચીતરો; તમને ગમે તે ચીતરો; જેવું આવડે એવું ચીતરો. જોઈ જોઈને ચીતરો, નીચે રાખીને ચીતરો, સંભારીને ચીતરો, ફાવે તેમ ચીતરો. માણસ ચીતરો, ઢોર ચીતરો, પક્ષી ચીતરો, પતંગિયાં ચીતરો, ઝાડ ચીતરો, ફૂલ ચીતરો, આકાશ ચીતરો, ઘર ચીતરો, પદાર્થો ચીતરો, નકશા ચીતરો, ગમે તે ચીતરો.”

પાટીમાં પેનથી ચિત્રો ચીતરાવા માંડ્યા. વાંકાંચૂંકાં જેવાં તેવાં કેટલી યે જાતનાં ચિત્રો નીકળવા લાગ્યાં. આખી યે સવાર ચિત્રમાં ચાલી ગઈ. ઘંટ વાગ્યો ત્યારે આંખ ઊઘડી. વખત પૂરો થયો હતો.