આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦૦]

મેં છોકરાઓને કહ્યું: “જેનાં માબાપ પેન્સિલ અને કાગળ અપાવે તે નોટમાં ચિત્ર કાઢે; બાકીના બધા પાટીમાં.”

બેચાર દિવસ નીકળી ગયા. કેટલાં યે ચિત્રો નીકળી ગયાં- ચિત્રકાર જેને જોઈને ફેંકી દે એવાં; પણ છતાં વિદ્યાર્થીની પોતાની કલ્પનાનાં, પોતાની શકિતનાં ચિત્રો હતાં. મને થયું: “ચિત્રોનો હિસાબ અને સંગ્રહ રહેવો જોઈએ.” થોડીએક મુશ્કેલી વેઠી ઉપરી સાહેબને મળી એક બાજુ કોરા રદ્દી કાગળો કઢાવ્યા અને સાહેબ પાસેથી બે ડઝન રંગીન પેન્સિલો પડાવી. સાહેબે હસતાં હસતાં કહ્યું: “વળી ભણાવવું કોરે મૂકીને ચિત્રનું કાઢ્યું લાગે છે !”

દરેક વિદ્યાર્થી પાસે ચિત્રના વિષયવાર એક એક નોટ કરાવી અને તે પ્રમાણે તેમાં ચિત્રો કાઢવાનું મેં કહ્યું, ચિત્રોના વાતાવરણ રૂપે મેં લીમડાની ડાંખળીઓ, પીપળાનાં પાંદડા, તુલસીની માંજર તથા બારમાસી અને આકડાનાં ફૂલ મૂક્યાં. વેપારીને ત્યાંથી ભાતભાતની છાપેલી કોરોના નમૂનાના કટકા લાવીને ટાંગ્યા. એકાદબે ભાઈબંધને ત્યાંથી થોડાંએક સારાં ચિત્રો લાવીને જોવા માટે મૂક્યાં. હમેંશ વપરાતી ચીજો જેવી કે ખડિયો, હોલ્ડર, ડાબલી, દીવાસળીની પેટી વગેરે એકઠી કરીને મૂકી. એક પાટિયા ઉપર મોટા અક્ષરે લખ્યું : “ ચીતરો, ચીતરો, ચીતરો. તમારી મેળે ચીતરો. તમને ચિત્ર કાઢતાં આવડે છે. રોજ રોજ સારાં સારાં ચિત્રો નીકળતાં જાય છે."

છોકરાઓ તે કાઢવા પાછળ બહુ પડ્યા. કેટલાએકે તો છાપકામ, ભરતકામ અસલ જેવું જ ચીતર્યું. કોઈએ ફૂલોના રંગ જેવા જ રંગો ફૂલોમાં પૂર્યા. કોઈ ચીતરતા જ નહોતા; તો કેટલાએક બીજા કેમ ચીતરે છે તે બેઠા બેઠા જોતા હતા.

પખવાડિયા પછી હાઈસ્કૂલના ચિત્રશિક્ષકને હું તેડી લાવ્યો. મેં કહ્યું: “તમારે ચિત્ર કાઢતાં શીખવવાનું નથી. પાટીઆ ઉપર