આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૩ ]


પછી વાર્તા આગળ ચાલી તે ધંટ વાગ્યા સુધી. રજા થઈ ને મે કહ્યું: “સૌ એક વાત સાંભળતા જાઓ. ગોળ ઉપર બેસીને સાંભળો. આ નખ કઢાવી લાવજો, હો. જાતે કઢાય તો જાતે કાઢજો, નહિતર બાપાને કહેજો, નહિતર હજામ આવે ત્યારે લેવરાવી લેજો.”

એક કહે: “આપણે તો મોંઢેથી કાપી કાઢવાના.”

મેં કહ્યું: “ના ભાઈ, એમ ન કરતા. નખ કાં તો નરેણીથી કે છરીથી લેજો.”

પછી મેં કહ્યું: “આપણે એક ગમ્મત કરીશું ?”

બધા કહે: “શું ?”

“તમારે ટોપી વિના નિશાળે આવવું. આવી ગંદી ટોપી શા માટે ! ને ટોપીનો વળી શો ખપ છે !”

સૌ હસી પડ્યા. બધા કહેઃ “ઉઘાડે માથે તે શાળામાં અવાય? મોટા માસ્તર વઢે ને !”

મેં કહ્યું: “હું કાલથી ઉઘાડે માથે આવીશ ને તમે પણ આવજો.”

છોકરાઓ કહે: “પણ બાપા ના પાડશે તો ?”

“તો કહેજો કે એ તો નકામો ભાર છે. ને ગંદી ટોપી એાઢવી તે કરતાં ન એાઢવી સારી.”

વળી મેં કહ્યું: “આ કોટનાં બુતાનો ટંકાવી લેજો. આમ તો સારું નથી લાગતું.” સૌ મનમાં વિચાર કરતા કરતા ઘેર ગયા.

મને હેડમાસ્તર સાહેબ મળ્યા. તેઓ કહે: “અરે ભાઈ, તમે તે કંઈકનું કંઈક કરો છો. આ બધા ચાળા શીદને કરો છો: નખ ઉતરાવવાના, ને બુતાન ટકાવવાના ને એવા બધા ! ભણાવવાની નવી રીતો કેળવવા આવ્યા છો તો એ જ કરો ને ! આ તો માબાપો