આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૭]


“મારા સાથી-શિક્ષકોને તો મારામાં કશો વિશ્વાસ જ નથી. તેએા તો મને ચોખ્ખો વેદિયો જ માને છે; ને હા, હું કંઈક હોઈશ પણ ખરો. એમ તો અનુભવ વિનાનો. પણ આ એમની માન્યતાઓ અને શીખવવાની રીતો તો મારે ન જ જોઈએ. તે જોતાં જ મને ત્રાસ થાય છે ! એમ તો હું જે કરું છું તે જ બરાબર છે. મારા છોકરાઓ મને જોઈ નાસી જતા નથી. તેઓ મને ઠીક ઠીક ચાહે છે, મારું માન રાખે છે. આજ્ઞા પણ ઉપાડે છે. પરંતુ આ શિક્ષકોના છોકરાઓ તો તેમને જોઈ ભાગી જાય છે; ને પાછળથી તેમના ચાળા પાડતા મેં તેમને નજરે ભાળ્યા છે ! એક પણ છોકરો શિક્ષક પાસે આવી હસીને કે હેતથી ઊભો રહેતો જ નથી. તેઓ વર્ગમાં ચૂપચાપ હલ્યાચાલ્યા વિના બેસે છે ને બહાર નીકળે છે ત્યારે ધીંગામસ્તી કરે છે. એ રીતે મારા છોકરાએાને મેં વાજબી છૂટ આપી છે; ને તેઓ વર્ગમાં થોડીક ગડબડ કરી લે છે તેથી તે અત્યંત વધારે પડતી ગડબડ બહાર મચાવતા નથી. પણ પેલાઓ કહે છે કે હું તો તેમને બગાડું છું, ફટાડું છું; માત્ર વાર્તા કહું છું ને ભણાવતો નથી; રમાડીને રઝળાવું છું ! ઠીક છે, જોયું જશે. એ રમત અને વાર્તા એટલે મારે મન તો અરધોઅરધ શિક્ષણ છે!

“આમ છે છતાં મારું કામ વિકટ છે તે મારે ધ્યાનમાં રાખવું જ જોઈએ; અને એમ રાખીને જ હું કામ કરીશ.”

વિચારમાંથી બારના ટકોરે જાગ્યો ને પછી “હે ભગવાન! આખરે તો બધું તારા હાથમાં છે.” એમ કહી બધી ચિંતા એને ખેાળે સોંપી “કાલની વાત કાલે જોઈશ.” એમ કરીને સૂતો.

*