આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩૪ ]


એક કહે: “જીવાનું ભણવામાં મન જ નથી. એનું તેા સસલાં પકડવામાં મન છે, ને એને તો ઢોર હાંકવાં ગમે છે.”

બીજો કહે: “ભાઈ, નિશાળમાં જીવો માર ખાય છે; બાકી બહાર જઈને તો એ છોકરાએાને મારે છે. અમે બધા ય એનાથી બીએ છીએ."

મેં પૂછ્યું: “એ નાતે કેવો છે ?”

છોકરાઓ કહે: “જી, એ તો કોળી છે. એનો બાપ દરબારી નોકર છે ને એને પરાણે ભણાવે છે. એ માસ્તરને ઘેર ભણાવવા પણ રાખેલા છે.”

મેં કહ્યું: “જવા દો ને. ચાલો આપણે વાર્તા પૂરી કરીએ.”

વાર્તા પૂરી કરી અમે ઊઠ્યા ને ઘંટ વાગ્યો. શિક્ષા અને તેનાં પરિણામો સંબંધી વિચારો કરતો કરતો હું ઘેર ગયો. મારે તો શિક્ષા કરવી જ ન હતી એટલે મને મારા મનમાં તો નિરાંત હતી.

થોડા દિવસ વહી ગયા.


: ૪ :

એક દિવસ હું ઉપરી સાહેબને મળ્યો ને મેં કહ્યું: “સાહેબ, એક એવો હુકમ કાઢી આપો કે શાળામાં આવનાર બાળકે સ્વચ્છ કપડાં પહેરીને આવવું પડશે. માથે ટોપી રાખવી હોય તો તે મેલી નહિ જોઈએ. વાળ રાખવા હોય તો એાળેલા જોઈ એ. દર અઠવાડિયે બાળકના નખ ઉતરાવવા ને વાળ વધે ત્યારે વાળ કપાવવા. કોટ પૂરાં બુતાન વિના ન જ હોય. વળી દરેક વિદ્યાર્થી નાહીધોઈને શાળાએ આવે; અગર હાથપગ ધોઈને તો આવે જ.”

ઉપરી સાહેબે ધીરજથી સાંભળ્યું ને તેઓ હસ્યા કહે “કાં, માબાપ નથી સમજતાં ?”