આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪૬ ]


સ્વામીજીએ હસતાં હસતાં હાથ ધોયા.

ત્યારથી સ્વામીજી ને હું ખૂબ પરિચયમાં આવ્યા છીએ. તેઓ નવીન શિક્ષણના વિચારો વાંચી રહ્યા છે ને હું તેમની પાસેથી ધર્મગ્રંથોનો અભ્યાસ કરું છું.


: ૭ :

વખત ચાલ્યો જતો હતો. વર્ષ આખરે અભ્યાસક્રમ તો પૂરો થવો જ જોઈશે, અને તે પણ વધારે સારી રીતે. ઉપરાંત સારા સુધારાવધારા કરી બતાવું તો જ અખતરાનો કંઈક અર્થ.

મને થયું: “હવે ઇતિહાસ ઉપાડું.”

ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો જોયાં; સંતોષ ન થયો. એકમાં હકીકતના દોષો હતા, બીજામાં પુરાણી દૃષ્ટિ હતી, ત્રીજામાં પૈસા ખાવાની નજર હતી, ચોથામાં શૈલીદોષ હતો, અને સૌથી ખૂબ વખણાતું પુસ્તક મોટાંઓ માટે રસિક પણ વિદ્યાર્થીને માટે અઘરું હતું.

મને થયું: “પાઠ્યપુસ્તક તો ન ચલાવાય. ત્યારે ! ત્યારે ઇતિહાસની વાર્તા કહેવી ને સંભળાવવી.”

વાર્તા તો સૌને પ્રિય હતી. પણ આજ દિવસ સુધી તો જુદી જાતની વાર્તા કહેલી: અરધી સાચી, અરધી ખોટી; ગપગોળાની અને અદ્ભુત પરીઓની. ઇતિહાસમાં કાંઈ એવું નથી આવતું. પણ છતાં વાર્તા કહેવા માંડી લૂખીસૂકી ઐતિહાસિક હકીકતોને સાંધીને વાર્તા ચલાવી. છોકરાઓ અસ્થિર થવા લાગ્યા.

“ભાઈ, આવી વાર્તા ન હોય.”

“ભાઈ, આવી વાર્તા નથી સાંભળવી.”

“જી, પેલી ગઈ કાલે કીધી હતી તેવી કહો.”

“ચાલો ને ભાઈ રમવા.”