આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૬]


વિદ્યાર્થીઓને ભારે મજા પડી, તેઓને મન એક સુંદર રમત થઈ પડી; અને તેઓ બે માસમાં તો નામ, સર્વનામ, વિશેષણ ક્રિયાપદ ને અવ્યયને ઓળખતાં અને વાકયમાંથી બતાવતાં શીખી ગયા. તેઓ એકવચન અને બહુવચન, તેમ જ નર અને નારીજાતિનો ભેદ પણ સમજ્યા. હું કર્તા અને કર્મને ઓળખાવવાની યોજના વિચારી રહ્યો હતો, એટલામાં એક વાર અમારા વર્ગમાં વ્યાકરણની રમત ચાલતી હતી ત્યાં મહેરબાન ઉપરી સાહેબ ચડી આવ્યા; અને તેઓ તો એ બધું જોઈ જ રહ્યા ! પછી તેઓ બોલ્યાઃ “છોકરાઓને વળી ગંજીપે કયાં ચડાવ્યા ? છમાસિક પરીક્ષા માથે આવી છે તો કંઈક ઝપાટો મારો. જોજો, આપણું માર્યું ન જાય. અખતરો પાર પાડવો છે; ખબર છે ને !”

મેં જરા હસીને કહ્યું: “સાહેબ, એની મને પૂરેપૂરી ચિંતા છે; અને આ ચાલે છે તે વ્યાકરણની રમત છે, આપ જરા આ છોકરાઓને વ્યાકરણમાં તપાસશો ?”

ઉપરી સાહેબે બેપાંચ સવાલો પૂછ્યા. મને કહે: “ઓહો ! આ તો સુંદર કામ થયું છે ! આ તમારી આખી યોજના મારે સમજવી છે. વ્યાકરણ તમે છોકરાઓને આટલી ગંમત સાથે શીખવતા હો તો બધા વર્ગોમાં એ જ રીત દાખલ કરીએ. કાલે રજા છે. મારે ત્યાં આવજો ને આ બધાં સાધનોથી કેમ કર્યું તે બધું મને સમજાવજો.”

* * *

બીજે દિવસે મારાં વ્યાકરણનાં સાધનો લઈ હું સાહેબ પાસે ગયો અને મેં મારું કામ પહેલેથી આ પ્રમાણે રજૂ કર્યું.

સાહેબ ! જુઓ, આ મારું પહેલું સાધન. આ પૂંઠાં પર આ બાજુએ નર અને આ બાજુએ નારીજાતિના શબ્દો લખ્યા છે. માથે નરજાતિ, નારીજાતિ એમ લખ્યું છે. આપ જોશો કે આ