આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૭૦]

તેઓ તેમ કરવા લાગ્યા. પછી મેં કહ્યું: “થોડાંએક ક્રિયાપદો લખી લાવો જોઈએ ?” તેઓ થોડાંએક શોધી લાવ્યા.

મેં એક બીજી રમત કાઢી. મેં તેમને કહ્યું: “જુઓ, હું કોઈને કંઈ કરવાનું કહીશ. પછી તે શું કરે છે તે પાટિયા પર લખજો.” જગજીવનને મેં કહ્યું: “દોડો.” તે દોડ્યો. મેં પૂછ્યું: “શું કરે છે?” એક જણ કહે: “દોડે છે.” બીજાને પૂછયું: “કઈ ક્રિયા કરે છે?” તે કહે: “દોડે છે.” પછી મેં છોકરાઓ પર દોડો, કૂદો, લખો, વાંચોના હુકમો છોડ્યા અને બીજાઓને તેઓ શું કરે છે તે પાટિયામાં લખવા કહ્યું. જોયું તો તેઓએ બરાબર લખ્યું હતું. અલબત્ત કોઈ કોઈ સમજતા ન હતા તેથી લખી શક્યા ન હતા. કોઈ એ ક્યાં ય ક્યાં ય ભૂલો પણ કરી હતી.

મેં એ જ ધોરણે કહ્યું: “હવે જે કોઈ કંઈ કરે તેણે શું કર્યું તે લખો.”

જગજીવનને કહ્યું: “દોડો.” તે દોડ્યો અને તેઓએ 'દોડ્યા' એમ લખ્યું.

આમ રમતો ચાલી. તેએાને અંદર અંદર રમત રમવાની અને લખવાની છૂટ આપી. ખૂબ ઉત્સાહથી તેઓ રમતા હતા. પછી મેં તેમને એક દિવસ બેસાડ્યા ને કહ્યુંઃ “રામજી દોડે છે ત્યારે દોડવાની ક્રિયા કરે છે, ખરું ?” તેઓ કહેઃ “હા.” “ત્યારે શામજી લખે છે ત્યારે શાની ક્રિયા કરે છે ?” “લખવાની.” આમ મેં તેમને લીધા. એવી જ રીતે શામજી દોડ્યા ત્યારે શાની ક્રિયા કરતા હતા, વગેરે સવાલો પૂછયા ને ઉત્તરો લીધા. પછી મેં પાટિયા પર લખ્યું: “દોડે છે, દોડ્યા, બોલે છે, ચાલ્યા, આ બધાં ક્રિયાપદો છે; એમાં કંઈક કરવાનું છે.”

છોકરાએાએ વાંચ્યું ને તેએાએ હા કહી.

ઉપરી સાહેબ કહે: “પછી ?”