આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૯ ]


રહે. મેં એમ પણ માગ્યું હતું કે મારા વર્ગની પરીક્ષા વખતે દરેક વર્ગના પાંચ પાંચ છોકરાઓ ત્યાં બેસે.

પરીક્ષાને દિવસે મારા મનમાં શાંતિ હતી. કાળજું ધડકતું ન હતું. મારા મનમાં પાસ નાપાસનો પ્રશ્ન ન હતો. મારા અનુભવ પ્રમાણે તો ચિંતા કરવાનું કારણ ન હતું. વિધાર્થીઓને કહેલું જ હતું કે “આપણે જે બધું રોજ રોજ કરીએ છીએ તે આજે પણ કરવાનું છે. પરીક્ષામાં તો બધા પાસ જ છે. આજે તો આપણું કામ જોવા માટે સૌને નોતર્યા છે.”

મારી નાટકી રીત પ્રમાણે મેં પડદા પાછળ સૌ ગોઠવ્યું હતું. આગળના ભાગમાં સૌને બેસાર્યા પછી મેં પડદો ઉપાડયો.

ત્યાં હાજર રાખેલા બીજા વર્ગના છોકરાઓની મંડળીઓ પાડેલી હતી. દરેક મંડળીને મારા વર્ગનો વિદ્યાર્થી વાર્તા કહેતો હતો. વાર્તા કહેવાનું કામ વારાફરતી ચાલ્યું. દરેક વિદ્યાર્થીએ પોતાની વાર્તા પસંદ કરી હતી. વાર્તા ભૂલી જાય તો જોવા માટે ચોપડી પાસે રાખી હતી. તે પોતાની ઢબે પોતાને ગમતી વાર્તા વિદ્યાર્થીઓને કહેતો હતો અને ઉઘાડી રીતે તે સાંભળનારની સાથે કહેવાની ગંમત લઈ રહ્યો હતો. તેને જરૂર વાર્તા કહેતાં આવડતી હતી. છટાથી, ભાવથી, અર્થ સમજીને તે વાર્તા કહેતો હતો સાંભળનાર બરાબર સાંભળતા હતા. વાર્તા પૂરી થઈ. સૌ શિક્ષકો એકબીજા સામે જોઈ રહ્યા. મેં કહ્યું: “આ મારી એક પરીક્ષા.”

એક શિક્ષકે બીજાને કાનમાં કહ્યું: “શાની ?”

મેં સાંભળ્યું ને કહ્યુંઃ “ભાષા ઉપરના કાબૂની, વાર્તાકથનની આવડતની, સ્મૃતિવિકાસની, અભિનયની.”

બધા શિક્ષકો બીજી પરીક્ષાની રાહ જોતા બેઠા.

પેલો પડદો પાછો ઊઘડયો ને સૌ ગોળાકારમાં બેઠા હતા. સામે પાટિયા પર લખ્યું હતું: ' અંતકડીની રમત.'