આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૮૯]


ઉપરી સાહેબે પૂછ્યું: “હેડમાસ્તર સાહેબ, તમારા સાતમા ધોરણના વિદ્યાર્થીએાએ આ છ માસમાં કેટલાં પુસ્તકો વાંચ્યાં હશે ?”

હેડમાસ્તર કહે: “ સાહેબ, વાંચે કયાંથી ! વાંચવા જાય તો ઇતિહાસ, ભૂગોળ, ભૂમિતિ, બધું ભણે કયાંથી !”

ઉપરી સાહેબ બોલ્યા નહિ પણ વિચારમાં તો પડ્યા. મારા તરફ જોઈને કહેઃ “તમારા છોકરાઓ ભાષામાં વગર પરીક્ષાએ પાસ થાય છે. કહો, હવે શું બાકી છે?”

હું વિદ્યાર્થીઓનું હસ્તલિખિત માસિક લઈ આવ્યો.

ઉપરી સાહેબે પૂછયું: “આ બધા લેખો છોકરાએાના ?”

"જી હા.”

“આ એકબે કવિતાઓ છે તે પણ?”

“જી હા. હમણાંથી એકબે છોકરાઓ કવિતાઓ લખવાનો પ્રયત્ન કરે છે.”

“પણ આ કવિતામાં તમે કાંઈ સુધારી આપો છો ખરા કે નહિ?”

“ના, હજી સુધી તેમ નથી કર્યું, જેવી લખાઈ છે તેવી જ પ્રગટ થઈ છે."

“આ બધું છોકરાઓ પોતાની મેળે લખે છે, ઉતારા કરે છે કે તમે સુઝાડો છો ?”

“ઉતારા કરવાનો શો અર્થ, સાહેબ ! હું કહું છું કે 'જે ગમે તે લખો. સૂઝે તે લખો. બધું લખાય. વળી જે લખો તે પ્રગટ કરો.' તેઓને બધાં લખાણો ગમે છે ને હું બધાંને પ્રગટ કરું છું.”

ઉપરી સાહેબ: “આ છમાસિક પરીક્ષા માટે તો ખાસ કરાવ્યું હશે ?”