આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પડતો; ને "જી, આવ્યો" કહી પન્નાલાલ ચોપડો ખતવતો ખતવતો હોલ્ડર કાને ચડાવતો, ધોતિયું આજે કોરું પહેરેલું તે વારંવાર તંગ કરતો કરતો દોડી જતો. "ભાઈ, હું આવું?..." "ભાઈ, તમે ક્યાં જાવ છો?" કહેતાં બન્ને છોકરાં એની પાછળ દોડતાં, અને એણે પહેરેલા ગુલાબી ફેંટાનું છોગું તથા કાછડીનો પાછલો છેડો ખેંચતાં. "હું હમણાં આવું છું, બેટા! ત્યાં શેઠને ઘેર ન અવાય તમારે..." એમ કહી, છોકરાંને રડતાં મૂકી પન્નાલાલ ઉપલે માળે દોડતો, 'આટલી મીઠાઈ ઘર માટે લાવો!' એવાં એવાં ઘર-કામ માટે શેઠ પન્નાલાલને મોકલતા. 'અને ખતવણી બધી કરી નાખી કે?' એ સવાલ દર વખતે યાદ કરાવતા. 'જી, કરું છું...' એટલો જવાબ માતો. 'સાંજ પહેલાં થઈ જવી જોઈએ, હો!' એ ટકોર વારંવાર થતી.

"પન્નાલાલ! આપણી 'કાર' નીચે ઊભી છે તે લઈ જજો, હો કે!" એમ શેઠાણીએ કહ્યું કે તુરત જ શેઠ બોલી ઊઠ્યા: "ના હો! મારે હમણાં જ બહાર જવું છે."

શેઠાણીનું મોં ઝંખવાણું પડ્યું. પન્નાલાલ તો, "ના રે ના! હું હમણાં ટ્રામમાં જઈ આવીશ..." એમ બોલી નીચે દોડ્યો.

શેઠાણી છેલ્લા ચાર દિવસથી પન્નલાલને કહેતાં કે, "આટલી દોડધામ રહે છે, તો અહીં જ જમી લેતા જાઓ ને, પન્નાલાલ! ઘેર ધક્કા શીદ ખાઓ છો?" પણ તુરત જ શેઠે કહેલું કે, "આવા સપરમા દિવસોમાં કોઈને પોતાના ઘરની થાળી ન ત્યજાવવી જોઈએ."

પન્નલાલ ગયા પછી શેઠાણી પડી ગયેલે ચહેરે ઊભાં થઈ રહ્યાં. "મને જરા મોજાં પહેરાવજો તો!" અને "મારો ટસરનો સૂટ કાઢજો તો!" એવી પતિ-આજ્ઞાઓ સાંભળીને શેઠાણી ધીરે પગલે બીજા ખંડમાં ચાલ્યાં ગયાં. ત્યાંથી એનો અસ્પષ્ટ ઉદ્‌ગાર સંભળાયો કે, "હે પ્રભુ! વાતવાતમાં હું કાં પાછી પડું?"

વીસ વર્ષની પોતાની પત્ની વાતવાતમાં ત્રીસ વર્ષના જુવાન પન્નાલાલની આટાલી બધી કાળજી બતાવે છે, તે પચાસ વર્ષના પતિને નહોતું