આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગરીબ માણસની શરમ નહિ રહે, મનમાં દયા કે અનુકંપા (મેર) નહિ રહે, ધન ખર્ચનારો ધર્મી કહેવાશે (ગરીબોને ચૂસીને દાન કરનારા ધર્મી !) અને મોટાઓ સાથે વેરઝેર કરશે.

• મેડીયું પાડેને મારગ થીંદા, કબરમે થીંદા ઘર,
અસ્ત્રી વેહંધી તખત પે, જાળી લોદીન્ડે નર.

મેડીયું, મકાનો પાડીને સડકો બનાવાશે, કબ્રસ્તાનોમાં ઘર થશે (ગરીબોને જ્ગ્યાના અભાવે સ્મશાન જેવી જગ્યાઓએ શરણ લેવાનો વારો આવશે) સ્ત્રીઓ રાજકાજ કરશે (તખત પર બિરાજમાન થશે) અને ભાયડાઓ તેને પંખા નાખશે (હવા નાખશે અર્થાત, તેની ગુલામી, જી હજૂરી કરશે !)

.• શાહ છડીન્ધા શાહ પણું, સચ્ચ છડીન્ધા શેઠ,
ભામણ ભણન છડીન્ધા, જાડેજા કંધા વેઠ.

શાહ, સજ્જન લોકો સજ્જનતા છોડી દેશે, શેઠ, વેપારી લોકો સાચ (સત્ય) છોડી દેશે, બ્રાહ્મણ, જ્ઞાની લોકો ભણવાનું, અભ્યાસ છોડી દેશે અને જાડેજા, રાજવી લોકો, વેઠ કરતા થશે.

• ભૂખ માડુ તે ભડ ધ્રીજંધા, શિયાળે ધ્રીજંધા સી,
પે ધીજંધા પુતરતે, હેડા અચીંધા ડી.

નિર્માલ્ય (ભૂખ) માણસથી શુરવીર (ભડ) માણસ ધ્રુજશે (ડરશે), સિંહ, સાવજ શિયાળથી ધ્રુજશે (ડરશે), એવા દિવસો આવશે કે બાપ (પે) પોતાના દીકરાથી (પુતરતે) ડરશે.

• દીકરો વહુજો વાહો કન્ધો, માકે દીન્ધો ગાળ,
મામૈયો માતંગ ચ્યે, હેડો અચીન્ધો કાળ.

દીકરો પોતાની વહુનું માનપાન કરશે પણ માતાને ગાળો કાઢશે (અપમાન કરશે) મામૈયો માતંગ કહે છે કે એવો કાળ (સમય) આવશે.