આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લોકકથા સંચય

રાજકુમારી તો હોઠ અને મોઢું દબાવીને મૂંગી મૂંગી માંડ માંડ બેસી રહી, એણે જરાય ખાધું નહીં, એટલામાં દેડકાજી તો થાળીમાંથી બધું ચટ કરી ગયા. પછી ખાઈ–પીને દેડકો બોલ્યો કે ‘‘હાશ! મારું પેટ ખૂબ ભરાઈ ગયું. હવે મને તારી પથારીમાં સુવાડી દે'. એ સાંભળીને રાજકુમારી તો રોવા જ મંડી. એને બહુ જ સૂગ ચડતી હતી. પણ શું કરે? રાજાજીની બીકથી કશું બોલાયું નહીં. પછી દેડકાને ઝાલીને પોતાના ઓરડામાં લઈ ગઈ. અને એને એક ખૂણામાં બેસાડીને પોતે પલંગ ઉપર સૂતી. ત્યાં તો વળી દેડકો બોલ્યો કે “હાં, એમ નહીં ચાલે, મને તારા પલંગમાં સૂવા દે’’ રાજકુમારીએ રોતાં રોતાં ઊઠીને દેડકાની સામે જોયું. એને પલંગ ઉપર સુવાડીને પંપાળવા લાગી. એનો હાથ દેડકાના શરીર ઉપર હતો, અને એની આંખો હતી આકાશ સામે. થોડી વાર થઈ ત્યાં તો એના હાથને કાંઈક સુંવાળું સુંવાળું ને મોટું મોટું લાગવા મંડ્યું. આંખ ઠેરવીને રાજકુમારી જ્યાં દેડકા સામે જુએ ત્યાં તો વાહ રે! પથારી ૫૨ દેડકો નહીં, પણ એક રૂપાળો માનવી. એના શરીર ઉપર રેશમી પોશાક, એના માથા ઉપર મુગટ, એના કાનમાં કુંડળ ઝળક ઝળક થાય, ને એના ગળામાં સુગંધી ગુલાબની માળા. એ માનવીને એક ડાકણે મંત્ર મારી દેડકો બનાવી દીધેલો. પણ રાજકુમારીના હાથમાં એવું સત હતું કે થોડી વાર હાથ પંપાળ્યો ત્યાં તો દેડકો પાછો માનવી બની ગયો. બંને જણાં મીઠી મીઠી વાતો કરતાં રાજાજી પાસે ગયાં. રાજાજીએ બેઉનાં લગ્ન કર્યાં. એ માનવીનો પિતા સોદાગર હતો, તે દેશમાં ખબર મોકલ્યા. ત્યાંથી ધોળા ધોળા ઘોડાનો રથ આવ્યો. ઘોડાને માથે રૂપાળાં પીંછાંની કલગી ફરકતી હતી.. શરણાઈ વાગી, ઢોલ-નગારાં વાગ્યાં, અને સોદાગર રાજકુમારીને લઈને પોતાના રાજમાં ચાલ્યો ગયો. ડોશીમાની વાતો

29

ડોશીમાની વાતો
૨૯