આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સોદાગરે વિચાર કર્યો કે ઘેર પહેલવહેલું તો બીજું કોણ મળશે? બારણામાં મારો કૂતરો બેઠો હશે. એને મોકલી દઈશ, એમ સમજીને એણે કહ્યું કે બહુ સારું સિંહ કહે, ‘આ ફૂલ તારી દીકરી પાસે લઈ જા. એક મહિનો વીત્યે જ્યારે આંહીં આવવું હોય, ત્યારે આ ફૂલ હાથમાં રાખજો ને મનમાં ચિંતવજો, એટલે તરત આંહીં આવી પડશો', સોદાગર ઘેર ગયો. દરવાજામાં જાય ત્યાં તો નાની દીકરી બાપુ આવ્યા, બાપુ આવ્યા' કરતી દોડી આવી. બાપુને વળગી પડી. બાપના મનમાં ફાળ પડી કે 'હાય હાય! શા સારુ મેં સિંહનું વચન કબૂલ કર્યું ? આ દીકરીને મારાથી કેમ મોકલાશે? એના કરતાં સિંહ મને જ ખાઈ ગયો હોત તો કેવું સારું થાત?' સોદાગરની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. હસમુખીએ પૂછ્યું, ‘બાપુ, શા સારુ રડો છો? શું થયું છે?” બાપુએ રોતાં રોતાં બધી વાત કહી. હસમુખી બોલી કે ‘કાંઈ વાંધો નહીં. આપણું વચન કાંઈ આપણાથી ભંગાય? બાપુ! મને ત્યાં ખુશીથી લઈ જજો'. એક મહિનો વીતી ગયો. સોદાગરે વાત કાઢી જ નહીં. પણ હસમુખી કાંઈ ભૂલે! એણે સંભારી આપ્યું. સોદાગર ખૂબ રોયો પણ હસમુખી એકની બે થઈ જ નહીં. બંને જણાંએ હાથમાં ફૂલ લઈને ચિંતન કર્યું, એટલે ઘડી વારમાં તો સિંહની ફૂલવાડીમાં પહોંચ્યા, દરવાજે કોઈ માણસ નહોતું, પણ આગળની જેમ બે હાથ આવ્યા ને બાપ–દીકરીને અંદર લઈ ગયા. પછી ઘણા હાથ આવ્યા અને બાપ–દીકરીને જમાડી લીધું. ત્યાં તો સિંહ આવ્યો, સોદાગરે એને પગે લાગીને કહ્યું, ‘આ મારી દીકરી’. સિંહ બોલ્યો, ‘તમે હવે તમારે ઘે૨ જાઓ. તમારી દીકરી આંહીં જ રહેશે. એની ચિંતા કરશો નહીં. એને આંહીં કાંઈ દુઃખ નહીં થાય’. સોદાગર દીકરીને એક બચ્ચી ભરીને ચાલ્યો ગયો. હસમુખી તો એ ભૂતના મહેલમાં એકલી પડી. ઘણા હાથ એની પાસે હાજર રહે છે. એને જે જોઈએ તે આપે છે. હસમુખી નહાવાની ઓરડીમાં જાય ત્યાં તો પથ્થ૨ની કૂંડીમાં સુગંધી ગુલાબજળ ભરેલાં, જાતજાતનાં રૂપાળાં તેલ પડેલાં, અને જાતજાતનાં રંગબેરંગી ઓઢણાં ટાંગેલાં. ખાવાને વખતે ખાવાનું પણ તૈયાર. ખાવા બેસે તે વખતે મીઠાં મીઠાં વાજાં વાગવા માંડે. એક ઓરડામાં જુએ તો અપરંપાર રમકડાં, બીજા ઓરડામાં ચિત્રોની ચોપડીઓ, ત્રીજા ઓરડામાં લાલ, પીળા ને વાદળી રંગનાં પંખી. હસમુખીને આ બધુંય બહુ જ ગમ્યું. પણ અરેરે? આવી શોભા શું એકલાં જ જોયા કરવાની? મારી સાથે બીજું કોઈ માનવી નહીં? સાંજે સિંહ આવ્યો. સિંહ કહે, ‘તને વાર્તા કહું?’ ડોશીમાની વાતો

45

ડોશીમાની વાતો
૪૫