આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


ગઈ. પદ્મા પણ ખાવાનું ભૂલી ગઈ અને નાચવા લાગી. કીકો શાંત ઊભો ઊભો તમાસો જોતો હતો અને ખીસામાંથી કાજુ ખાતો હતો. એટલામાં કંપાઉન્ડની દિવાલ આગળ કાંઇ ધબાકો થયો અને એક કુરકુરિયું ઊં ઊં કરવા લાગ્યું.વીનુ "મારા મોતીઆને વાગ્યું ” કહેતો દોડ્યો; એટલે તેની પાછળ ઇન્દુ "મારી ફૅની, મારી ફૅની " કરતો દોડ્યો. બીજાં છોકરાં પોતપોતાની ગતિ પ્રમાણે તે તરફ જવા લાગ્યાં. ત્યાં જઈ ને જુએ તો એક પોટકું પડેલું. વીનુના મોંમાંથી “ અરે ! આ તો જામફળ ! ” એવો ઉદગાર નીકળી ગયો. ઇન્દુ તેના તરફ બે હાથ લાંબા કરી જાણે આ પોટકાને હજી સમજી જ ન શક્યો હોય તેમ આશ્ચર્યચક્રિત થઇ ઊભો રહ્યો. કીક્ આ સાંભળી દોડી આવ્યો અને સૌથી પહેલા પોટકાના કાણામાં હાથ ધાલી જામફળ કાઢી ખાવા લાગ્યો. ત્યારે જ જાણે બધાંને ખાવાના વિચાર આવ્યો હોય તેમ બધાં છોકરાં 'જામફળ જામફળ’ બોલતાં ભેગાં થઈ ગયાં, અને એક પછી એક જામફળ લઇ ખાવા લાગ્યાં. તારાએ એક જામફળને બચકું ભરી પદ્માને બતાવ્યું: "જો, મારે રાતું નીકળ્યું !" બિન્દુ આવી પહોંચ્યો હતો તે કહેઃ “ મને.” બીજી તરફ બાબુએ બીજા જામફળને બટકું ભર્યું અને કહ્યું: “ તો મારે ધોળું નીકળ્યું ! ” અને બિન્દુ કહે: “ મને. ” નટુ હીરા મનુ સર્વે આમાં ભળ્યાં. સર્વને ખાતાં જોઇ બિન્દુ રડવા લાગો, એટલે ઈન્દુ તેને "નહિ હો ભાઇ, જોજે હમણાં તને સરસ ખોળી દઉં હોં !" કહી સાંત્વન આપી જામફળ ખોળવા લાગ્યો. પણ તેને એકેય પસંદ પડતું નહોતું. પોતાના હાથમાં જ રાખી બીજાને "જોઇએ, તારું કેવું લાગે

૬૦