આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મુકુન્દરાય


આવડત, સુઘડતા અને પિતાનું સંસ્કારીપણું, ઘીટપણું ઊતર્યાં હતાં; તેણે જ નાના ભાઇને ઉછેરવાનો અને ઘરનો બીજો બધો ભાર ઉઠાવી લીધો. રઘનાથની સેવા તે માતા જેવા કોમળ સ્નેહથી કરતી પણ રઘનાથમાં જૂનો ઉલ્લાસ કદી ફરી આવ્યો નહિ. તેમની બુદ્ધિની સૂક્ષ્મતા એની એ રહી, પણ નવાં કાર્યોનો ઉત્સાહ મંદ થયો અને દહાડે દિવસે તે ઓછાબોલા થતા ગયા. ભગ્નહૃદયમાંથી જાણે તેમનું જીવન વેગથી સરવા માંડ્યું—માત્ર પુત્રને પ્રતિષ્ઠિત જોવાની તેમની જૂની ઈચ્છામાં નિઃશબ્દ નિષ્ક્રિય તીવ્રતા આવી. આવી સ્થિતિમાં પણ ગામમાં તેમની પ્રતિષ્ઠા એ જ રહી હતી. ઊલટું દુઃખમાં રાખેલી ધીરજથી તેમના તરફ પૂજ્યભાવ થયો હતો.

મુકુન્દમાં માબાપની સર્વ શક્તિ ઊતરી આવી હતી ખરી, પણ તેના પિતાના ઔદાસીન્યને લીધે તે કેળવાઇ નહોતી. નાનપણથી જ તેને સ્વતંત્રતાથી કામ કરવાની ટેવ પડી હતી અને એ ટેવ, અંગ્રેજી શિક્ષણ લેવા તે બહારગામ ગયો ત્યારથી વધવા માંડી. મેટ્રિક થયા પછી તે કૉલેજમાં ગયો હતો. અત્યારે તે ખી. એસ. સી.ના પહેલા વર્ષમાં હતો અને ઉનાળાની રજા પડેલી હોવાથી ઘેર આવતો હતો.

કૉલેજના અભ્યાસના આ વર્ષમાં વિદ્યાર્થીનું ચારિત્ર્ય અને ભાવી કારકિર્દી કંઇક ચોક્કસ સ્વરૂપ પકડે છે, અને કૉલેજના સ્વાતંત્ર્યના વાતાવરણને લીધે અને પરીક્ષાની ચિન્તા ન હોવાથી આ વરસમાં વિદ્યાર્થીમાં માનસિક અને શારીરિક ઉલ્લાસ પણ ઠીક હોય છે. આપણા મુકુન્દરાયમાં પણ આ વરસ ઠીક ઉલ્લાસ આવ્યો હતો. તે ટેનિસ સારું રમી શકતો, ટેનિસની છેલ્લી રમતમાં જ માત્ર તે હાર્યો હતો. પણ તેની

૮૧