આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


મિત્રો આગળ તે ગરીબ દેખાવું પસંદ કરતો નહિ. પૈસાદાર દેખાવાની કળા પોતાને સિદ્ધ છે એમ તે માનતો. તેની પાસે પૈસા ઓછા હતા પણ તે પાકીટ ઊંચી જાતનું વાપરતો. તે બનાતના ઊંચા જોડા લઈ શકતો નહિ પણ બ્લેકો લગાડી તેને બરાબર સફેદ અને ડાઘા વગરના રાખી શકતો. પાટલૂન નેકટાઇ પહેરવાનો રિવાજ તેણે હજી દાખલ કર્યો નહોતો પણ ઝીણાં ફરફરતાં ધોતિયાં તે સુંદર રીતે પહેરતો. આ બધાનું પરિણામ એ થતું કે જોકે તેના બહારના દેખાવના પ્રમાણમાં તે બહુ કરકસરથી રહેતો પણ પોતાની સ્થિતિથી ઘણું વધારે ખર્ચ કરતો અને બાપ પાસેથી ચોપડીઓ મગાવવાના ખોટા બહાનાથી તેને ઘણી વાર પૈસા મંગાવવા પડતા.

તેની છેવટની ફતેહાથી અંજાઈ પાસેના કેટલાક પૈસાદાર મિત્રો તેને ત્યાં આ વખતે વેકેશન ગાળવા આવતા હતા.

ગંગા અને રઘનાથ, ભાઈ માટેની ધામધૂમમાં પડ્યાં હતાં એટલામાં બાપના તીવ્ર કાને બહાર એકાનો અવાજ સાંભળ્યો, તે સાંભળીને તે ખડકી તરફ ધીમે ઊઠીને જાય છે એટલામાં એકામાંથી એકદમ ઉતરી ‘ કમ ઑન, કમ ઑન' કરતો મુકુન્દરાય ખડકીમાં આવ્યો. તેની પાછળ બે જણા ખાખી ખમીસ, ખાખી નેકટાઇ અને ધોતિયાં પહેરેલા, એક હાથમાં બિસ્ત્રો અને બીજા હાથમાં ટેનિસનું પ્રેસમાં દબાવેલું અને ખાખી રબરની ખેાળવાળું રૅકેટ લઇને ખડકીમાં પેસતા હતા. રઘનાથે “ ભાઈ આવ્યો" કહ્યું, પણ મુકુન્દરાયનો મિત્રો તરફનો વિવેક હજી પૂરો થયો નહોતો એટલે તેણે કાંઇ જવાખ ન દીધો. અંદર આવી, મુકુન્દરાય, ઘંટીના અવાજથી, તેણે પોતે દોરી રાખેલું કોઇ સુંદર ચિત્ર કોઇએ

૮૪