આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


"આ ઉપરથી હું માનું છું કે કેટલાક બદમાસોએ આ જરિયાન સાડી પહેરનાર ઉપર હલ્લો કરેલો. અને તે હલ્લામાં આ વસ્ત્ર પહેરનારે પેલા મુસલમાનને નદીમાં ફેંકી દીધેલો.”

પ્રમુખે સવાલ કર્યો: “ જો નદીમાં ફેંકી દીધેલો તો પૂલ પર લોહી ક્યાંથી હોય ?

હરજીવન: "હલ્લો કરનાર બદમાસો બે ત્રણ હોવા જોઈએ. અને તેમાંના એકને નીચે ફેંકી બાકીનાની સાથે મારામારી થયેલી હોવી જોઇએ.”

અત્યાર સુધી હરજીવને મારી મશ્કરી કરેલી તેનું સાટું વાળવાનો હવે મને વખત મળ્યો. મેં ઊભાં થઈ પૂછ્યું: “ ઊભા રહા, મને જવાબ દો. ખૂન થતી વખતે સ્ત્રી એકલી હતી કે સ્ત્રી સાથે કોઇ મરદ હતો ? તમે શું માનો છો?"

હરજીવન: “ સાથે મરદ હોય તો વળી હલ્લો કરે ખરા ? માણુસને એકલું જોઇને જ હલ્લો કરેલો."

મેં કહ્યું: “ ત્યારે તમે જરા વિચાર તો કરો કે સ્ત્રી એમ ત્રણ બદમાસોને શી રીતે હરાવી શકે ? એક પુરુષ પણ ત્રણ પુરુષોને હરાવી ન શકે.”

હરજીવનઃ "ગયા યુગમાં એ સત્ય હતું પણ અખાડાની હિલચાલ શરૂ થઈ ત્યારથી એ સત્ય ખોટું પડ્યું છે."

પ્રમુખે હવે મને પોતાની પાસે બોલાવ્યો, અને હરજીવનની સામે દલીલ કરવા તરફ તેનું વલણ હતું તે સ્પષ્ટ બતાવ્યું.

મેં કહ્યું: “ તે તમારી સ્ત્રી એમ અખાડામાં કસરત કરવા ગઈ હશે ?"

૧૧૦