આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


રાત્રે મોડી પસાર થતી એકલદોકલ સ્ત્રીને રોકી તેનું અપમાન કરે છે અને તેના પર અત્યાચાર કરવા સુધી જાય છે. ગુજરાતની સ્ત્રીઓ આવી બાબતમાં ફરિયાદી થવાને અને કોરટે ચઢવાને નાખુશ હોય છે એ જાણીતી વાત છે. પૂલનો રસ્તો રાત્રે માણસ વિનાનો અને ત્યાંથી નાસી છૂટાય એવું ન હોવાથી બદમાસો લોકોને બેધડક પજવે છે. આવો ધંધો કરનાર ઘરબાર વિનાના કેટલાક ગુંડા હોય છે અને આબરૂદાર પ્રજાજનને તેમના તરફ કશી સહાનુભૂતિ ન હોવા છતાં તેઓ પોતાના કામમાં અત્યાર સુધી ફાવતા આવ્યા છે. પોલિસ આ બાબતમાં તપાસ કરી આવા ધોરી રસ્તાને સહીસલામત રાખશે એવી આશા છે.’ આ બાબત ખરી છે. કોચરબ, પાલડી, જમાલપુર, મીઠાખળી વગેરેનાં બૈરાં આ ત્રાસથી નવ વાગ્યા પહેલાં જ શહેર છોડી ચાલ્યાં જાય છે. પાલડીની ઢેઢડી બાઈ તેલી, મીઠાખળીની દૂધ વેચવા જનારી બાઇ રૂપાં, ગલબાઇને ટેકરે રહેનારી મારવાડી ભીખારણ બાઇ ટેટી, અને સરખેજને રસ્તે વાડા કરનારી વાધરણ બાઇ રાજી આ લોકોના ત્રાસનો ભોગ થઇ પડેલી. નદીની તેડ ઉપર વસતી છારી બાઇ ગોમી ઉપર પણ બદમાસોએ હલ્લો કરેલો, પણ તે સામી થઇ છૂટી ગયેલી. આ અપમાનથી ઉશ્કેરાઈ કેટલાક છારા પુરુષો બદમાસો ઉપર ચઢી ગયેલા, પણ ગુના કરનારી જાત તરીકે તેઓ પોલિસના દાબમાં હોવાથી, બદમાસોએ પોલિસની મદદથી તેમને હાંકી કાઢ્યા. આ પુરાવા હજી ખાનગી રીતે મળી શકે એમ છે. આ જુલમમાંથી આ લાચાર અબોલ સ્ત્રીઓને બચાવવા આ માણસ સ્ત્રીને વેષે ત્યાં ગયેલો. તેના ધારવા પ્રમાણે બદમાસોએ તેના પર હલ્લો

૧૧૨