આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
१३


આ રીતે ‘ ટૂંકી વાર્તા ' નો સાહિત્યના પ્રકાર તરીકે વિચાર કરીએ તો તેના સ્વરૂપનું કેટલેક અંશે આપણને ભાન થશે. ‘ટૂંકી વાર્તા’ સાહિત્યના બીજા પ્રકારોની જેમ કાવ્યોચિત આનંદ આપવા માટે છે. આનંદ એક અથવા બીજી લાગણીના છૂટા કે મિશ્ર અમર્યાદિત અનુભવમાં રહેલો છે; લાગણીઓનું જીવન એટલું બધું સૂક્ષ્મ, પરસ્પર વણાઈ ગયેલું અને બહુરૂપી હોય છે કે તેનો હંમેશાં નામનિર્દેશ કરવો શક્ય નથી હોતો; પણ આવા અમર્યાદિત લાગણીના અનુભવમાં કલાની વિશેષતા રહી છે, એવો અનેક સહૃદય વિદ્વાનોનો મત છે અને તે સાચો લાગે છે. ( અમર્યાદિત એટલે અનુભવ કરનારના અંગત વ્યવહારી સુખદુઃખની લાગણીથી અમર્યાદિત.) ટૂંકી વાર્તા પણ આ રીતે લાગણીનો અનુભવ કરાવી આનંદ આપે છે અને એનાં બીજાં પરિણામો આ પરિણામ સાથે સંગત હોય તો જ તે આદરયોગ્ય બને છે. તાત્પર્ય કે, ટૂંકી વાર્તાને પણ રસના ધોરણે વિચારવી ઘટે છે.

મમ્મટ કહે છે તે પ્રમાણે દરેક કાવ્ય છેવટે રસપર્યવસાયી છે, પણ તેની કક્ષા આ રસાનુભવ કેટલી સ્ફુટતાથી, સરળતાથી અને સ્વાભાવિકતાથી થાય છે તેનાથી નક્કી થાય છે. મુક્તક કે લિરીક અથવા ટૂંકી વાર્તા કલાકારને અને ભાવક બન્નેને ભાવે છે તેનું એક કારણ આ લધુ રૂપો આ ઉદ્દેશ સરળતા અને સ્વાભાવિકતાથી સાધવામાં વધારે ઉપયેાગી જણાય છે — એ છે. પણ આ વધારે ઉપયેગિતા ટૂંકી વાર્તા અને લિરીકને બીજા પ્રકારો કરતાં વધારે તુચ્છ બની જવાના ભયમાં પણ મૂકે છે; અને એ પતનથી બચી જવામાં જ લિરીકના કવિની અને ટૂંકી વાર્તાના લેખકની કુશળતા અને મહત્તા રહેલાં છે. મહાકાવ્યના કે કથાના રચનારના બુદ્ધિવ્યાપાર સાથે આ લઘુ રૂપો રચનારના બુદ્ધિવ્યાપારને મૂકતાં મન ખચકાય છે તેનું કારણ પણ આ તુચ્છતાનો ભય છે.