આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવો જન્મ


તે સાથે તેના ચહેરાની આકૃતિ પણ બદલાય છે એ હું સ્પષ્ટ સમજી શક્યો. દંતકથાઓની ડાકણ જેવું બિહામણું તેમનું મોં થઈ ગયું હતું. એક દીકરાને સંભારતાં, તે સિવાય તેમનામાં મેં માનવસ્વભાવ જોયો નથી. મૃત્યુ જ જાણે માનવજીવન અને તેની વચ્ચેની એક કડી હતી.

મેં કમલાને કહ્યું: ‘તેં મને ના પાડી પણ ડોશીએ માખણ ચોરીને ખાધું હતું."

"હું જાણતી હતી. તેમણે ખાધું અને તમે એ જોઇ ગયા તે પણ્ જોયું.”

"તેં કેમ જાણ્યું કે હું એટલા સારુ જ બાને બોલાવું છું."

“ તમે કેમ જાણ્યું કે હું તમને બોલાવવાની ના પાડું છું !"

મેં કહ્યું: “ ઠીક લે, પણ આવી ખાઉધર ડોશીને તું લઈ જઈને શું કરીશ ?"

“ તમને એની દયા યે નથી આવતી ?"

મેં કહ્યુંઃ "દયા તો આવે. પણ આવું ખાઉધરપણું શાથી થતું હશે ?"

"ઘડપણમાં કોક કોકને થાય." કમલાને આમાં કશી નવાઇ જ લાગતી નહોતી.

"પણ આટલું ? ”

"જુએ, તમે ભાયડા કેટલીક વાત સમજો નહિ. સૌને ખાવાનું મન થાય. તમને અને મને મળી રહે, આપનાર પીરસનાર હોય એટલે દેખાય નહિ. અને જેને ન મળે તેનું દેખાઈ આવે. તમે મહિનામાં કેટલી વાર વારપરબ, મહેમાન સેમાન કે કોઇ ને કોઈ બહાનાથી ખાઓ છો તેનો હિસાખ કર્યો છે?"

૧૨૭