આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સરકારી નોકરીની સફળતાનો ભેદ


તેણે પૂછ્યું: “ આપના પગ તળાંસુ, આપનું માથું ચાંપું, આપને વાયુ ઢાળું ?" ઊંઘમાં ઓથારથી મન ચંપાતું હોય તેમ મારું મન મૂંઝવણથી ચંપાવા લાગ્યું. મારા શરીરને અત્યારે શું જોઈતું હશે તે ગમે તેટલી તપાસ કર્યા છતાં મન શોધી શકતું નહોતું. હવે મોડું થઈ શકે તેમ નહોતું. આંસુ પડવા માંડ્યાં હતાં. ઓથારમાં ચમકી જઇએ તેમ ચમકીને મેં જવાબ આપ્યો: “ પગ દાબ." પગ દબાવા લાગ્યા, પણ કોઇ અજ્ઞાત વ્યાપારથી પગ પણ તેના સ્પર્શથી સંકોચાતા હતા, ખેંચાતા હતા, અને પગ લઇ લેવા જેટલી હિંમત નહોતી, એટલે માત્ર જ્ઞાનતંતુઓ ખેંચાતા હતા.

સતીના મનને સંતાપ થયો હશે એમ લાગ્યું ત્યારે મેં સૂઈ જવા કહ્યું. તે તો અપ્રતિમ કૃતકૃત્યતાના સંતોષથી ઊંઘી ગઇ પણ મને રાત આખી આના વિચારમાં ઊંઘ ન આવી. ખરું કહું તો વિચાર પણ નહોતા આવતા, માત્ર મુંઝવણ હતી. સવાર પડવા આવતાં જ થાકીને મન ઊંઘી ગયું પણ હજી ઊંઘથી મનને શાંતિ મળે તે પહેલાં મારા પગને કંઇક વિલક્ષણ સ્પર્શ થવાથી હું જાગી ઊઠ્યો. જોઉં છું તો મારા પગને ઉઘાડા કરી મારી પત્ની પગને માથું અડાડી પડી હતી. મને માત્ર મૂંઝવણ નહોતી, ભય થતો હતો. અનંત સવારો મારી નજર આગળ એક સાથે ખડી થઇ ગઈ અને તે દરેક સવારે મારા પર આ ઑપરેશન થવાનું એ વિચારથી હું કંપવા લાગ્યો. અનંતતા કલામાં તમને કદાચ સુંદર લાગતી હશે પણ મને તો તેનો પ્રથમ અનુભવ અતિશય ભયંકર થયો.

પણ ભયનું સ્વરૂપ જાણતાં માણસની મૂંઝવણ ટળે છે અને તેની સામે થવા તે પ્રયત્ન કરે છે. દિવસ આખો મેં

૪૯