આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સરકારી નોકરીની સફળતાનો ભેદ


ધર્મનો સિદ્ધાંત છે" ત્યારે મને સમજાયું કે માત્ર ડાક્ટર મટાડી શકે તેવો આ કેસ નહોતો. મારો મિત્ર તો આ પહેલાં જ ચાલ્યો ગયો હતો. પણ મેં તમને કહ્યું છે કે ભયનું સ્વરૂપ જણાયા પછી તેનો ઉપાય જડે છે. મેં એક શ્લોક બનાવી કાઢ્યો, જૂનો જડત પણ શોધવો મુશ્કેલ, માટે મેં જ બનાવ્યો. તેનો એવા અર્થ થતો હતો કે જેનું નામ દીધું હોય તેનું આયુષ્ય ઓછું થાય. સતીના મનનું સમાધાન થયું, તમારે શ્લોક સાંભળવો છે? ‘ના ?' તમારી ધીરજ ખૂટી લાગે છે. લ્યો ત્યારે બાકીની વાત ઝટ પૂરી કરું. ‘નહિ ?' ધીરજ નથી ખૂટી ? ત્યારે સંસ્કૃત નહિ આવડતું હોય. ભલે.

હવે સામાન્ય કામકાજ ઠીક ચાલતું હતું, મને માત્ર એટલી જ ચિંતા હતી કે માજી ઘરડાં થતાં જાય છે અને એમને રાજકદૈવક થશે પછી પાછો સર્વ પૂજનવિધિ ક્યાંક મારા પર આવી પડશે. મને હવે સમજાયું કે સ્મૃતિકારો જેમ ચોવીસ કલાકની વ્યવસ્થા કરે છે, તેમ મારે અમારા જીવનની વ્યવસ્થા કરવી જોઇએ. પણ હજી સર્વ પ્રકારના હેતુઓ વિધિઓ જડતા નહોતા. એટલામાં એક નવીન અકસ્માત બન્યો, જેથી મને સર્વ માર્ગ જડી ગયો. મારે થોડું પરગામ જવાનું આવ્યું. મેં ધાર્યું કે થોડા દિવસો તો સ્ત્રીના પ્રભાવથી સ્વતંત્ર રહેવાનો પ્રસંગ મળશે. પણ સતીના ધર્મમાં એક પણ પ્રસંગ માટે નિયમ ન હોય એમ નહોતું. સતી મારી ટ્રંકમાં મીઠું હળદરનો ગાંઠિયો વગેરે મૂક્યાં, નીકળતી વખતે શ્રી ગણપતિ ગજાનન ને અગસ્ત્ય મુનિને સંભારવાનું કહ્યું, અને બધી સૂચના આપ્યા પછી એક સુંદર ડબી મને આપી. મને લાગ્યું કે મારા સૌભાગ્ય માટેનું કંકુ કે

૫૫