આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
જગજીવનનું ધ્યેય.


કરી: “મેં તમને નહિ કહેલું કે મારા પર વર્તમાન પત્રમાં જે જાહેર આરોપ આવ્યો હતો તેનો જવાબ હું વિજ્ઞાનની પરીક્ષા કરાવી આપવાનો છું. તેમાં એ લોકો લોહીની પરીક્ષા કરી અમુક પુરુષ અમુક બાળકનો બાપ છે કે નહિ તે સંબંધી અભિપ્રાય આપે છે અને હવે તો કોર્ટમાં પણ એ અભિપ્રાય નિર્ણયાત્મક ગણાય છે. જુઓ, મેં મારું લોહી કઢાવી તૈયાર રાખેલું છે. એ પરીક્ષા માટે બાળકનું લોહી પણ એજ દિવસે કાઢી મોકલવાનું હોય છે. તેને માટે આ દાક્તર...”

“વોય મા ! તે તમે આવડા નાનાનું લોહી કાઢશો ? હાય હાય ! એટલા સારુ અહીં આવ્યા છો ?” કહેતી તે તો બાળકને લઈ પોતાના ઓરડામાં ચાલી ગઈ.

“એમને જરા સમજાવવાં પડશે” એમ દાક્તરને કહી જગુભાઈ પાછળ ગયા. “ના, ના ! મારું લોહી લેવું હોય તેટલું લો, એનું નહિ. આવડા નાનાનું હોય નહિ” કહી તે બાળકને છાતી સરસું દબાવી પોતાના ખાટલામાં લપાઈ બેઠી.

જગજીવને તેને સમજાવવા માંડી. પોતે પવિત્ર જીવન ગાળવાનું જીવનધ્યેય રાખેલું છે, તેના પર કેટલો અન્યાયી આક્ષેપ થયો છે, તે સરસ્વતીને લીધે થયો છે, સરસ્વતીનો દોષ પોતે કાઢતો નથી, પણ તેને લીધે થયો છે એ તો એણે જાણવું જોઈએ, એણે પોતાને ન્યાય મેળવવામાં મદદ કરવી જોઈએ, એ નિર્દોષતા સાબીત ન કરી શકે તો મહાત્માજીના અનુયાયીની પ્રતિષ્ઠા પછી કેમ રહે, બાળકને જરા પણ ઇજા થતી નથી, વગેરે વાતો કરી કરીને, પજવી પજવીને, ધ્યેયની વાતથી ન છટકી શકાય એવી રીતે તેને ઘેરી લઈને તેણે તેને છેક લાચાર બનાવી દીધી. તેના પડખામાંથી તેણે ધીમે રહીને છોકરો લીધો, સરસ્વતી જરા પણ વિરોધ ન કરી શકી. માત્ર દબાઈ ગયેલા એક જીવડાની પેઠે કણકણતી પથારીમાં મોં દાબીને પડી રહી.