આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




ઉત્તર માર્ગનો લોપ

જે સિન્ધુ દેશમાં આવેલું દેવીગ્રામ સવારથી કોઈ અપૂર્વ ઉત્સાહમાં આવી ગયું છે. તેના વિધિઓ અને કાર્યક્રમ હમેશના જ છે, તેમાં છેલ્લાં સાત વર્ષથી તો કશો ફેર થયો નથી, થઈ શકે જ નહિ, પણ આજે એ હમેશના કાર્યક્રમના વિધિઓ, પાઠ, પૂજા, પ્રદક્ષિણા, દર્શન, જાપ, સર્વ કરવામાં વાણી હાથ પગ નવી જ છટા અને નવો જ રણકાર બતાવે છે. આજે ગ્રામમાં સાત વર્ષનું મહાન પર્વ આવેલું છે. આજે એ ગ્રામનાં મુખ્ય સાધકસાધિકા પોતાની સાત વરસની સાધના પૂરી કરશે અને કાલે જ્વાલામુખીદેવીની મહાયાત્રાએ જશે, અને ત્યાંથી પાછાં ફરશે એટલે તેમની સાધિકા ચન્દ્રલેખા એ જ્વાલામુખી દેવીનું સ્વરૂપ બનશે અને સાધક એ ગ્રામનો નવમો સિદ્ધ પુરુષ થશે.

આ સાત વરસની સાધના, જેટલી વિલક્ષણ તેટલી જ દુષ્કર હતી. સાધના માટે દેવીના ઉપાસકોના પુત્રપુત્રીમાંથી જન્મકુંડલી તપાસાવીને અને અમુક સામુદ્રિક લક્ષણો જોઈને એક વીસ વરસના પુરુષને અને સોળ વરસની યુવતીને પસંદ કરવામાં આવતાં. તેમણે એક વંડીવાળા દેવીના ચાચરમાં જુદી જુદી ઓરડીમાં રહેવાનું હતું. આ ઓરડીઓને કમાડ નહોતાં. એ ઓરડીઓ સિવાય ત્યાં એક માતાજીની