આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭
ઉત્તર માર્ગનો લોપ.


હતું. દીવાનું કોડિયું એટલું નાનું હતું કે રાત દિવસ વારંવાર જઈ ઘી પૂરવું જ પડે. તેમની આસપાસ અગ્નિનું કશું સાધન રખાતું નહિ, એટલે જો કોઈપણ કારણથી દીવો હોલવાય તો એ વાત બહાર પડ્યા વિના રહે જ નહિ. એમ થાય તો વિધિ પ્રમાણે મોટી ક્રિયા કરી એ દીવો ફરી પ્રગટાવાતો અને સાધક સાધિકાને ફરી સાત વરસ તપશ્ચર્યા આદરવી પડતી. રાતના બન્નેએ વારાફરતી ઉજાગરો કરવાનો અને ઘી પૂરું થતાં બીજાને ઘી પૂરવા જગાડી ઊંઘી જવાનું હતું, જગાડવાની પદ્ધતિ પણ ચોક્કસ હતી, રાતા કરેણનું ફૂલ કપાલે અથવા પગને અંગુઠે અડાડીને જ જગાડી શકાતું.

તપશ્ચર્યા આટલી દુષ્કર હતી માટે જ, તેમના પુરાણ પ્રમાણે, કલિયુગમાં અત્યાર સુધી માત્ર આઠ સાધકસાધિકા પાર ઉતાર્યા હતાં. આ યુગલ નવમું હતું, અને આજે તેમની તપશ્ચર્યાનો છેલ્લો દિવસ હતો. તેથી જ આજે સવારથી આરતી વખતે ભક્તોનો ઝાલરનો રણકાર જુદી જાતનો હતો. આજે દેવી એટલે સાધિકાની પૂજા વખતે વચમાં આવવાની જગા રાખીને બન્ને છેડે પાતળું અને વચમાં જાડું, ઊભેલું ટોળું હમેશ કરતાં ઘણું મોટું હતું. એ ટોળામાં ધીમે રહીને પોતાનો સુંદર ગૌર દેહ ચારે બાજુથી સફેદ વસ્ત્રથી વીંટાળી ચન્દ્રલેખા આવી ત્યારે ટોળું એક આંખો સિવાય આખે શરીરે નિશ્ચેષ્ટ થઈ ગયું. ધીમેથી આવી ચન્દ્રલેખા સ્થંડિલ પર સૂતી. પછી સામેથી ધીમે પગલે ધોતિયું પહેરેલો અને ધોતિયાના એક છેડાનું જ ઉત્તરીય કરેલો હરકાન્ત આવ્યો. તેણે ઓશીકે બેસી સિંદુરનું તિલક કરી પોતાનું કપાળ ત્યાં અડાડ્યું. ત્યાંથી ઊઠી તે ચન્દ્રલેખાના શરીરના મધ્યભાગ આગળ બેસવા જતાં તેણે તેના મોં સામે જોયું. સાત સાત વરસ સુધી અનેક સવારે તેણે આ ક્રિયા કરેલી તે બધી જાણે એક કતાર થઈ તેની સામે ઊભી રહેલી દેખાઈ. એક અજ્ઞાત ભવિષ્ય તેની આંખ સામે ખડું થયું. આજે છેલ્લી જ વાર ચન્દ્રલેખાનો સુંદર દેહ