આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
દ્વિરેફની વાતો.


તેનું સુંદર મુખ, તેની સુંદર દેહરેખા તે જુએ છે તે વાત તેના મનમાં એકદમ પાણીનો નાનો પરપોટો ઉપર આવે તેમ આવી. બેસીને નાભિ ઉપર ફૂલ મૂકતાં કંઈક તેનો હાથ ધ્રૂજ્યો. તેણે દીર્ધ શ્વાસ લઈ મન ઉપર ફરી કાબૂ મેળવ્યો. ઊઠીને તેણે પગને અંગૂઠે પોતાનાં નેત્રો અડાડ્યાં. હંમેશના જેવા સ્વસ્થ મનથી અને ઊઠ્યાના શ્રમથી જરા લાલ થતા મુખ સાથે તે ઊભી થઈ, તે બન્નેની નાડ વૈદ્યે જોઈ ત્યારે તે હંમેશ જેવી શાન્ત નિયમિત અને સ્વસ્થ હતી. તેઓની આકરી કસોટી આજ પૂરી થઈ. આજે છેલ્લી વાર પાતે તેમની નાડ જોતો હતો એ વિચારથી એકમંદ સ્મિત કરી વૈદ્ય ચાલ્યો ગયો. ટોળું પણ નિઃશબ્દ વીખરાઈ ગયું. હરકાન્ત અને ચન્દ્રલેખા બંને પોતપોતાની ઓરડીમાં ચાલ્યાં ગયાં.

ત્રીજે પહોરે હંમેશની માફક થતા કથાવાચનમાં પણ આજે મોટું ટોળું આવેલું હતું. એક ભક્ત પાસે પાટલા પર એક પોથીનો લગભગ ગાંસડો ઉપડાવીને પૌરાણિક દાખલ થયો અને પોતાને સ્થાને બેઠો. સાત વરસમાં કશું જ ફરી ન વાંચવું પડે, હમેશ અક્કેક અધ્યાય વાંચતાં સાતે વરસે બરાબર પૂરું થઈ રહે એવડું એ પુરાણ હતું. આજે પુરાણ ઉઘાડીને તેણે પાનાં હાથમાં લીધાં ત્યારે શ્રોતાઓ તરત શાંત થઈ શક્યા નહિ. આવતી કાલ શી ક્રિયાઓ કરવાની હશે, આ સાધકસાધિકા કેવાં સદ્‌ભાગી, તે આવ્યાં ત્યારે કેવાં અને કેવડાં હતાં, આજે તે તે કરતાં કેવાં સુંદર અને ભવ્ય થયાં છે; ગ્રામનાં સ્ત્રી–પુરુષો સાથે તેમને કેટલો બધો પ્રેમ છે, બંનેથી બહાર નીકળાતું નથી, પણ બંને બાળકો તરફ પણ કેવી મમતા રાખે છે, તેમને શોધી લાવનાર આ પૌરાણિક જ હતા, કાલ હવે નવી વિધિઓ શી થવાની અને સાક્ષાત્ જ્વાલામુખી પ્રગટ થશે, ત્યારે શા શા ફેરફારો થશે એની વાતો કરવામાંથી આજ શ્રોતાઓ પરવારતા જ નહોતા. પણ પુરાણકર્તા જાણે આ બધું માનસ પહેલેથી સમજતા હોય તેમ આજનો છેલ્લો અધ્યાય તેણે ટૂંકો જ લખેલો હતો. આજે