આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
ઉત્તર માર્ગનો લોપ

તરફ મુખ રાખી બેઠી. થોડીવારે હરકાન્તે કહ્યું, “આ પુરાણકાર પણ બહુ વિચક્ષણ જણાય છે. આજે આપણી છેલ્લી રાત્રિ છે, તો તેણે કથા પણ છેલ્લી રાત્રિની જ કહી!”

ચન્દ્રલેખા : “અલબત્ત, વિચક્ષણ તો ખરા ! પણ હરકાન્ત, મને તો અધીરાઈથી મન ચલિત થાય એ સાચું નથી લાગતું. મને એવી કશી જ અધીરાઈનો અનુભવ થતો નથી. તમને થાય છે ?”

“મને પણ થતો નથી. મને જો કંઇ થાય છે તો તે ભવિષ્યના વિચારો થાય છે.”

“મને પણ. અને મને તો કંઈક જાણે ભય લાગે છે, હવે શું થશે ? અત્યાર સુધી તો જાણીતા વિધિ પ્રમાણે ચાલવાનું હતું. પણ હવે શું આવશે ?”

હરકાન્તે કહ્યું: “તમારે તો તેમાં ભય રાખવાનો છે જ નહિ. સાક્ષાત્ માતાજી જ તમારામાં પ્રગટ થશે. તમારે કશું જ કરવાનું નથી.”

“પણ એ પ્રગટ કેવી રીતે થતાં હશે ? પ્રગટ થવાનાં, તેનું એક પણ ચિહ્ન હજી સુધી હું મારામાં અનુભવી શકી નથી. મારામાં પ્રગટ થશે એટલે શું ? એ પ્રગટ થશે ત્યારે મારું શું થયું હશે, હું હુંરૂપે મટી ગઈ હઈશ ? કે હું આ ખોળિયામાં જા–આવ કરતી રહીશ ?”

હરકાન્તે કહ્યું : “મારી કલ્પના એવી છે કે તમે તમારે રૂપેજ રહ્યા છતાં, માતાજી સાથે એક પ્રકારનું તાદાત્મ્ય અનુભવો, તેમની સાથે અનુસંધાન મેળવો.”

“પણ હજી સુધી એ અનુસંધાન કેમ મેળવવું તેનું ઝાંખું સ્વરૂપ પણ મારા અનુભવમાં આવ્યું નથી.”

“એ અનુસંધાનનો પ્રયત્ન તમારે કરવાનો નહિ એ માતાજી પોતેજ મેળવશે, એવો અર્થ.”