આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ.


પ્રમીલા : ભાભી, કહો કે ઉદ્દગાર પણ ન કાઢવો. આ લોકો તો ઉદ્દગારને નામે પણ ચર્ચા કે ટીકા કરે એવા છે.

ધીરુ બહેન : હા, ઉદ્‌ગાર પણ નહિ.

મેં કહ્યું : બાળવાર્તા છે તે કહો તો હાંકારો દેતા જઈએ.

ધીરુબહેન : એ પણ નહિ. હવે સાંભળો.

ઈરાન કરીને એક મોટો દેશ હતો. તેની રાજધાનીનું નામ તહેરાન. એ રાજધાનીથી વીસેક ગાઉ દૂર એક નાનું ગામડું હતું. તેમાં એક કમાલ કરીને છોકરો રહે. તેનાં માબાપ ગરીબ હતાં એટલે એને ભણાવી શકેલાં નહિ, જો કે એ છોકરો બહુ બુદ્ધિશાળી હતો, તેને રમવું ને ફરવું ને જોવું બહુ ગમતું, ઘરનું કામ કરવું ગમતું નહિ. તે આખો દિવસ ગામમાં રખડ્યા કરતો. તે એક આંખે કાણો હતો, ને ગામના લોકો તેને કાણિયો કાણિયો કહી તેની મશ્કરી કરતા. એક દિવસ તેણે તેનાં માબાપને કહ્યું કે તહેરાન સુંદર શહેર છે તે જોવા મને લઇ જાઓ. એનો બાપ તો એને ખૂબ વઢ્યો ને કહે, હરામખોર, ઘરમાંથી જ કાઢી મૂકું.

હવે કાણિયાભાઈએ તહેરાન મફત જવાની એક યુક્તિ શોધી કાઢી. તહેરાનને રસ્તે એક જમાલ કરીને પ્રખ્યાત લૂંટારો માણસોને પોતાના ઘોડા પર મફત બેસાડવાનું કહી, દૂર લઈ જઈ પછી લૂંટી લેતો એમ તેણે સાંભળેલું હતું. એટલે કમાલે પોતાના એક પૈસાદાર દોસ્ત પાસેથી સારાં સારાં કપડાં માગી લીધાં. અને એ પહેરીને પાયજામા અને ડગલાનાં ખીસાંમાં ખૂબ રોકડા સોનૈયા હોય એમ દેખાડવા નળિયાંના ગોળ ટુકડાની કોથળિયો, દેખાય એવી રીતે, ખીસામાં ફાટફાટ થાય એટલી ભરી. ને એમ કરીને તહેરાનને રસ્તે એક ઝાડ નીચે સવારમાં જઈને બેઠો. થોડી વેળા થઈ ત્યારે પેલો લૂંટારો ઘોડા પર નીકળ્યો. તેની પણ એક આંખ કાણી હતી, તે ઉપરથી કમાલે તેને ઓળખ્યો. કમાલે ઊભાં થઈ, જાણે અંદરના