આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
१२

કોઈને લાગે. તો તે સંબંધી કહેવાનું કે સામાન્ય રીતે જે કામ પૃથગ્‌જનો સ્વાર્થાંધતાથી કરે, અને સામાન્ય માણસો એમાં રહેલું સ્વાર્થીપણું ઓળખીને, કે સ્વાર્થીપણાનો દોષ આવશે એમ સમજીને ન કરે, તેવું કામ મહાપુરુષો લોકકલ્યાણને અર્થે, પોતાની વૃત્તિની શુદ્ધિની પ્રતીતિના બળથી કરે પણ ખરા. અને તેથી આ વાર્તામાં કોઈ પણ વાક્ય કે કાર્યથી મહાત્માજીના ભવ્ય ચારિત્રને દોષસ્પર્શ થતો હોય એમ હું માનતો નથી.

‘ઉત્તરમાર્ગનો લોપ’ ‘બુદ્ધિવિજય’ અને ‘કેશવરામ’ એ વાર્તાઓ અમુક કારણોને લઈને મધ્યયુગીન વાતાવરણમાં મુકાઈ છે, ગયા સંગ્રહની ‘છેલ્લો દાંડક્ય ભોજ’ જેમ અતિ પ્રાચીન કાળમાં મુકાઈ છે તેમ. તે સંબંધી કહેવાનું કે એમાં ઉત્તર માર્ગની અને તેના વિધિઓની આખી કલ્પના, ‘બુદ્ધિવિજય’માં જ્યોતિષના ફલની અને સુવર્ણવર્ણ પ્રયોગની [૧] આખી કલ્પના, તથા ‘કેશવરામ’માં આવતી આખી બનાવોની કલ્પના મારી છે. કોઈ પુરાણ કે વૈદકના ગ્રન્થમાંથી કશું લીધું નથી. મેહહિલની પાંચમી સભાની વાર્તામાં લાંબી તપશ્ચર્યા સંબંધી લખ્યું છે તે પૌરાણિક લાગે પણ તે કટાક્ષમય છે તે કહેવાની ભાગ્યે જ જરૂર હોય !

પ્રસિદ્ધ થયેલી વાર્તાઓને અહીં સંગ્રહમાં મૂકતાં ક્યાંક થોડો ફેરફાર સ્પષ્ટતા કે એવા કોઈ ગૌણ કારણથી કરેલો છે છતાં, હવેથી આને જ વાર્તાનું પ્રામાણિક સ્વરૂપ સમજવા વિનંતી છે.

તા. ૨-૫-૪૨
વહોરવાડ : ગોપીપુરા
સૂરત


રામનારાયણ વિશ્વનાથ પાઠક
 




  1. ૧ આટવિક અને અડાચા વચ્ચે જે સંબંધ બતાવેલો છે તે પણ કાલ્પનિક ગણવો. ‘અડાયું’ શબ્દ आटविक માંથી જ આવ્યો છે એમ કહેવાનો ઉદ્દેશ નથી.