આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ.


પ્રમીલા : ભેગા ભેગા એટલું પણ કહી દો કે ‘આવા લેખકે’ એટલે તમારું વિધાન સોએ સો ટકા સાચું પડે. મને ખાત્રી છે કે તમારા જેવો કોઈ માણસ હજી સુધી વાર્તાલેખક થયો જ નથી.

ધનુભાઈ : તમે પાતે કબૂલ કરો છો કે હજી તમે દુનિયાંનું સાહિત્ય વાંચ્યું નથી, છતાં શી રીતે કહો છો કે દુનિયાંના સાહિત્યમાં તમારા જેવી વાર્તા નથી.

પ્રમીલા : ભાઈ, તમે તો કોઈ દિવસ રંગદર્શી વિવેચન કર્યું જ નહિ ! રંગદર્શી વિવેચન લાગણીવાળું હોય છે અને એમ વસ્તુને છોડીતે ગમે ત્યાં ઊડીને ચાલી ન જાય, તો પછી લાગણી કેમ કહેવાય ? આ ગુજરાતી સાહિત્યમાં ઘણાયને વાતો કરતા સાંભળીએ છીએ કે અમુક કૃતિ તો જગતના સાહિત્યમાં નથી, તે શું એ બધાએ જગતનું સાહિત્ય વાંચ્યું હોય છે એમ તમે માનો છો ?

મેં કહ્યું : એમ નહિ. જ્ઞાન બે પ્રકારનું હોય છે. એક બાહ્ય પ્રમાણવાળુ, અને બીજું આત્મજન્ય ! intuitive ! બાહ્ય પ્રમાણવાળું જ્ઞાન એ પૃથક્કરણવાળું, શાસ્ત્રીય ખરું, પણ હલકા પ્રકારનું. અંતર્જ્ઞાન એ ઊંચા પ્રકારનું. આપણી વસ્તુ જોઈને આપણે સમજીએ જ ને કે આપણી વસ્તુ અદ્વિતીય છે !

ધનુભાઈ : આ ચીનુ ઘણી વાર મારી પાસે ચિત્ર લઈને આવે છે, તે કહે છે કે જુઓ, આવું ચિત્ર કોઈ એ નહિ કાઢ્યું હોય ! હું માનું છું કે એ એની સાચી લાગણી જ બોલે છે. એ એનું આત્મજન્ય જ્ઞાન કે અંતર્જ્ઞાન જ છે, અને ઘણાં અંતર્જ્ઞાનો મેં એવાં જ જોયાં છે !

ધીરુ બહેન : અને શું એ ખોટું છે? ચીનુના જેવું જ બરાબર ચિત્ર બીજા કોઈ એ કાઢ્યું હશે એમ માનવા કરતાં નહિ જ કાઢ્યું હોય એમ માનવું વધારે સાચું નથી ?

ધનુભાઈ : આ પ્રમુખ બોલે છે કે માતા બોલે છે? અને એમ તો દરેક કૃતિ અદ્વિતીય હોય જ છે!