આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
દ્વિરેફની વાતો.


કૂતરીઓ પાસે આડો આંટો મારી જાતજાતના અવાજો કરી પાછો સામો થઈ ભસતો હતો. એમ કરતાં કરતાં તેને એકવાર એવી જબરી ઘૂરી આવી કે તે એકદમ શેરી ઓળંગી સામાપક્ષમાં ઘૂસી ગયો, અને એક જબરા કૂતરાની સામે થયો. બન્ને કૂતરા પાછલા પગ પર ઊભા થઈ એક બીજાને પાડવા જબરો હલ્લો કરવા લાગ્યા. પણ બીજા પક્ષના ઘણા કૂતરા ભેગા થઈ ગયા, કાળિયાને પાડી નાખ્યો અને લોહીના ત્રશિયા આવે એવાં બચકાં ભરવા લાગ્યા. સારું થયું કે એટલામાં કાબરો અને બીજા કૂતરાં ધસી આવ્યાં. એક તુમુલ યુદ્ધ થયું અને તેમાં સામાપક્ષનાં કૂતરાં છેવટે પાછાં હઠ્યાં, અને કાળિયો છૂટો થઈ ગયો. પંડ્યાવાડાનાં કૂતરાઓએ આજે પોતાના વિજયના ચિહ્ન તરીકે, ભટવાડામાં અનેક ઠેંકાણે પેશાબ કર્યો. અને એમ કરતા કરતા તે પોતાની હદમાં દૂર ગયા ત્યારે જ ભટવાડાના કૂતરા ત્યાં આવ્યા, અને પછી ઘૂરકતાં ઘૂરકતાં અને ઊંકારા કરતાં પોતાની જમીનની છેલ્લી હદ ઉપર પાતે પેશાબ કર્યો, અને ઘણીવાર ત્યાં આડા અવળા આંટા ફેરા ખાઈ, પછી પાતાની હદમાં અંદર શાન્તિથી ચાલ્યા ગયા.

એક વાર કાળિયો ક્યાંકથી પોતાની ધૂનમાં ચાલતો આવતો હતો, ત્યાં તેને ઓચિંતી કોઈ કૂતરીની ગંધ આવી, અને તોપમાંથી ગોળો છૂટે તેમ તે તે ગંધ તરફ ગયો. ત્યાં એક નવતર કૂતરી ઊભી હતી, તે આને જોઈ બી ગઈ, અને પગ વચ્ચે પૂછડી ઘાલી તે સંકોચાઈ નીચી નમી ગઈ. કાળિયો ત્યાં જઈ ઊભો રહી પૂંછડી હલાવી, છાતી કાઢી તેની પાસે તેને હિંમત આપવા તથા તેનું મન સંપાદન કરવા થોડીવાર ઊભો રહ્યો, અને એ કૂતરી પણ ધીમે ધીમે ભય છોડી કાળિયાના ભાવને પ્રત્યુત્તર આપવા જતી હતી, ત્યાં પંડ્યાવાડાની બે કૂતરીઓ, રૂંવાડાં ઊભાં થવાથી ગળા આસપાસ ફૂલી ગયેલી દેખાતી, દોડતી, ભસતી, મોટેથી શ્વાસ લેતી આવવા લાગી. તેને જોઈ એ કૂતરી નાઠી, અને પેલી કૂતરી તેની પાછળ પડી, કાળિયો પણ