આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
દ્વિરેફની વાતો.

અને લંગડાપણું અને એક સાથે વધવા લાગ્યાં. તે એટલે સુધી કે છેવટે તે ઉધરસથી જ લંગડાય છે કે લંગડાપણાથી તે સમજાય નહિ એવું થઈ ગયું. આ બધું તેણે કંઈપણ મનમાં લગાવ્યા વિના સહન કર્યું. ખાવા સિવાયના સર્વે ભોગો તરફથી તેણે મન ઉઠાવી લીધું અને મંડળનું મુખ્ય સ્થાન કાળિયાને ગયું તે જવા દીધું.

હવે કાળિયો જ આખા પંડ્યાવાડામાં સૌથી જબરો થતો. બધી કૂતરીઓનો તે માલીક થયો. તે એટલો જબરો થયો કે ભટવાડામાં પણ ગમે ત્યારે જઈ ગમે તે કૂતરાને બચકાં ભરી આવતો. તેના બળથી પંડ્યાવાડાના ત્રણ છોકરા તેની સાથે એટલા હળી ગયા કે તેમના વચ્ચે જાણે કશું અંતર ન રહ્યું. એ ત્રણ છોકરા કાળિયાને ખવરાવતા, પાદર ફરવા જતાં સાથે લઈ જતા, ગામના બીજા લત્તાઓનાં જબરાં કૂતરાં સાથે કાળિયાને દ્વંદ્વયુદ્ધમાં લડાવતા, અને કાળિયો પણ હમેશાં જીતતો. તેની પૂછડી હવે સદાય વળ ખાધેલી રહેતી. તેના શરીરનો રંગ પણ અત્યંત તેજસ્વી થયો હતો. તે ધીમે ધીમે આખા ફળીનો માનીતો અને પ્રિય થઈ પડ્યો હતો.

આ ત્રણ છોકરા પૈકી મોટાનાં લગન લેવાયાં અને તેની જાન બીજે ગામ જવા ઊપડી. આ ત્રણેય છોકરાએ કાળિયાને સાથે જાનમાં લીધો. કાળિયો ઘણીવાર વરરાજાના ગાડા નીચે ચાલે, ઘણીવાર પાછળ ચાલે, ઘણીવાર આગળ દોડી ચક્કર મારી આવી પાછો ભેગો થઈ જાય, અને ઘણીવાર વરરાજા, તેનાં માબાપ ના પાડે તો પણ, પોતાના રાજાપણાના હકથી તેને ગાડામાં બેસાડે. આખી જાનનો તે લાડીલો થયો હતો. રસ્તામાં આવતાં બીજા ગામોમાં પણ આ વરરાજા અને તેના મિત્રોએ પોતે લાકડીઓ લઈને ઊભા રહીને કાળિયાને કેટલાંક દ્વંદ્વો જીતાડી આપ્યાં.

જાન કન્યાને ગામ પહોંચી. કાળિયાની બધી સગવડ જાનીવાસમાં થઈ. પણ પરણવાને દિવસે બધા કંઈ કંઈ કામમાં રોકાઈ પડ્યા.