આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
દ્વિરેફની વાતો.


બુદ્ધિવિજયને ઉજ્જયિની એકાદ મજલ દૂર હતી, ત્યાં તેણે દક્ષિણના રાજ્યના ત્રણ સવારોને મારતે ઘોડે આવતા જોયા. હજી સવારો એક બે દિવસ વહેલા કેમ આવ્યા, એમ વિચાર કરે છે ત્યાં તો તેને સવારોએ પડકારી ઊભા રાખ્યો. ઘોડા ઉપરથી ઊતરી બધા તલવાર તાણી ઊભા રહ્યા. બિદ્ધિવિજય હામ હાર્યો નહિ. તેણે કુંવરના, રાજ્યના ખબર પૂછવા માંડ્યા, અને મહારાજાએ શા માટે દેહાન્તની શિક્ષા કરી તેનું કારણ એટલી કુનેહ અને નમ્રતાથી પૂછ્યું કે સવારો પોતે એને શા માટે મારવો તેના વિચારમાં પડી ગયા. આ રીતે એક બે પ્રહરો તે વાત લંબાવી શક્યો, પોતે નાસવાનો નથી, મરવાથી ડરતો નથી એમ બતાવી, રાહ જોવા સવારોને લલચાવી શક્યો. પણ ત્રીજા જ પહોરે સવારોએ દૂરથી સાંઢણી જોઈ. સાંઢણી અને રાજાને એાળખ્યા. રાજા પાતે હુકમના અમલની ખાત્રી કરવા આવે છે એ વિચારથી બહેબાકળા થઈ, તેઓએ એક સાથે અનેક ઘા મારી બુદ્ધિવિજયને પૂરો કર્યો.

અનેક મહત્ત્વાકાંક્ષાઓ, વિજયની યોજનાઓ, તર્કો, લોહી સાથે તેના દેહમાંથી નીકળી, ધૂળમાં ભળી ગયાં અને તેનું કશું ચિહ્ન રહ્યું નહિ !