આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧
કેશવરામ.

મઢવાનું જ ભૂલી ગયા હોય એવું દેખાતું હતું. શરીરમાં માત્ર આંખો ઉપરથી મોઢું છે એમ એળખાય એવું રહેલું હતું, બાકી લોહીમાંસના પીંડા જેવું જ હતું. કીલાભટ્ટને મનુષ્યની વાચા નહોતી, મનુષ્યનું સુખ નહોતું, મનુષ્યની આકૃતિ નહોતી, અને હવે તો મનુષ્યનું માનસ પશુ નહોતું. માત્ર કેશવરામને શાપવાની એક ઝનૂની ઇચ્છાથી તેનું પિંડ એ દિશામાં ઊછળ્યું, એણે માથુ કૂટ્યું, લોહી નાખ્યું, તે પછડાયું અને પછી ત્યાં જ નિર્જીવ થઈને પડ્યું.

ગિરજા તો આ ભયંકર દૃશ્ય જોઈને બેભાન જ થઈ પડી. થોડી વારે કેશવરામ આવ્યો. તેણે એક તરફ મિયાનો,—ભોઈઓ તો ચાલ્યા ગયા હતા—અને મિયાના પાસે કીલાભટ્ટનું મરેલું પિંડ, અને બીજી તરફ ગિરજાને બેભાન પડેલી જોઈ. તે બધું સમજી ગયો. તે તરત જ ગિરજાને ઉપાડી ઘરમાં લઈ ગયો અને તેની સારવાર કરી. બીજી તરફ પાડોશમાં કોઈને કહી ગામના બ્રાહ્મણોને બોલાવ્યા અને બાઈઓને બોલાવી ગિરજાની સંભાળ રાખવા કહી પોતે શબને અગ્નિદાહ દીધો. અને કીલાભટ્ટને પણ કોઈ નજીકનું નહોતું એટલે કેશવરામે પેાતે જ તેની સર્વ ઉત્તરક્રિયા કરી.

ગિરજા શરીરે ક્ષીણ થતી જ ચાલી. આંગણામાં જોયેલું કીલાભટ્ટનું અંતિમ દૃશ્ય તે કદી ભૂલી શકી નહિ. કેશવરામે એ આભાસથી તેને મુક્ત કરવા પરગામ જઈ રહેવા કહ્યું, પણ તેણે માન્યું નહિઃ “જિંદગીનાં સુખીમાં સુખી વર્ષો જ્યાં ગાળ્યાં છે તે જગા છોડીને નહિ જાઉં, અને હવે મરવાની છું ત્યારે તો આ મારા ઘરમાં જ મરીશ.” અંતે કેશવરામના અનન્ય પ્રેમને ઠેઠ સુધી ભોગવતાં તેણે પ્રાણત્યાગ કર્યો.

અલબત, કેશવરામને ઘણું દુઃખ થયું પણ ગિરજાની તે સંભાળ લઈ શક્યો અને ગિરજા એટલા પ્રેમથી ઠેઠ સુધી પ્રસન્ન રહીને ગઈ એમાં એને સાન્તન પણ ઘણું મળ્યું. તેણે હવે કંઈ મૃદુ થયેલા